×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચારધામ યાત્રા 2021: ભાઈબીજના પાવન પર્વ પર શીતકાળ માટે બંધ થયા કેદારનાથ ધામના કપાટ


- શીતકાલીન ગાદીસ્થળ ખાતે 6 મહિના સુધી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્યના દર્શન અને પૂજા-અર્ચના કરી શકશે

નવી દિલ્હી, તા. 06 નવેમ્બર, 2021, શનિવાર

કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાટ આજે શનિવારે ભાઈબીજના પાવન પર્વ પર પરંપરાનુસાર શુભ લગ્નમાં શીતકાળ માટે બંધ થયા છે. કેદારનાથ ધામના કપાટ સવારે 8:00 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા. બાબાની ડોલી ધામથી પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ માટે પ્રસ્થાન કરીને રાત્રિ પ્રવાસ માટે રામપુર પહોંચશે. જ્યારે 7 નવેમ્બરના રોજ બાબાની ડોલી શીતકાલીન ગાદીસ્થળ ખાતે બિરાજમાન થશે. ત્યાં 6 મહિના સુધી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્યના દર્શન અને પૂજા-અર્ચના કરી શકશે. યમુનોત્રી ધામના કપાટ પણ ભાઈબીજના રોજ બપોરે 12:45 કલાકે બંધ થશે. 

સવારે 4:00 વાગ્યાથી કેદારનાથ મંદિરમાં બાબાની વિશેષ પૂજા-અર્ચના શરૂ થઈ હતી. મુખ્ય પુજારી બાગેશ લિંગ દ્વારા બાબા કેદારનો વિધિ-વિધાનપૂર્વક અભિષેક કરીને આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે જ સ્વયંભૂ જ્યોતિર્લિંગને સમાધિરૂપ આપીને લિંગને ભસ્મ વડે ઢાંકી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાબા કેદારની પંચમુખી ભોગ મૂર્તિનો શૃંગાર કરીને ચલ વિગ્રહ ઉત્સવ ડોલીમાં બિરાજમાન કરવામાં આવ્યા. પરંપરાનુસાર બાબા કેદારની મૂર્તિને મંદિર પરિસરમાં ભક્તો માટે દર્શનાર્થે રાખવામાં આવી. 

સવારે 8:00 વાગ્યે ઉખીમઠના એસડીએમ જિતેન્દ્ર વર્મા અને દેવસ્થાનમ બોર્ડના અપર કાર્યાધિકારીની ઉપસ્થિતિમાં કેદારનાથ ધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યા. આ સાથે જ મંદિરના કપાટની ચાવી એસડીએમને સોંપી દેવામાં આવી. ત્યાર બાદ બાબા કેદારની ડોલી મંદિરની 3 પરિક્રમા કરીને શ્રદ્ધાળુઓના જયકારો વચ્ચે પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ માટે પ્રસ્થાન કરી ગઈ.