×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચક્રવાત ‘મોચા’એ મિઝોરમમાં મચાવી તબાહી, 50થી વધુ ગામોમાં 236 મકાનો ધરાશાયી, બેઘર થયા લોકો

આઈઝોલ, તા.15 મે-2023, સોમવાર

બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન ‘મોચા’એ ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે મિઝોરમના ઘણા વિસ્તારોમાં મકાનો ધરાશાયી થયા છે. અહેવાલો મુજબ મિઝોરમમાં ઓછામાં ઓછા 236 ઘરો અને 8 શરણાર્થી શિબિરોને નુકસાન થયું છે. અધિકારીએ જણાવ્યું કે, રવિવારે આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે મિઝોરમના 50થી વધુ ગામોમાં કુલ 5749 લોકો અસરગ્રસ્ત થયા છે. હાલ વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉત્તરપૂર્વના દક્ષિણ ભાગોમાં વરસાદ

વાવાઝોડા મોચાને કારણે દેશના ઉત્તરપૂર્વના દક્ષિણ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં રવિવારે હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. IMD અધિકારીઓએ જણાવ્યું કે સોમવાર સુધી કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. IMD બુલેટિન અનુસાર આજે ઉત્તરપૂર્વમાં મિઝોરમ અને દક્ષિણ મણિપુરમાં વરસાદ થવાની સંભાવના છે. મિઝોરમ અને મણિપુરમાં ભારે વરસાદની સંભાવના છે.

60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી

હવામાન વિભાગે મિઝોરમમાં લગભગ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી જારી કરી છે. જ્યારે મણિપુરમાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMDના બુલેટિન મુજબ ખૂબ જ તીવ્ર બનેલું વાવાઝોડું ‘મોચા’ રવિવારે સાંજે 5.30 વાગ્યે મ્યાનમાર પર અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં નબળું પડી ગયું છે. ત્યારબાદ વાવાઝોડું ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં છેલ્લા 6 કલાક દરમિયાન 26 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે.

2 રાહત શિબિરો સહિત 101 મકાનોને નુકસાન

વાવાઝોડું ‘મોચા’ રવિવારે મ્યાનમાર-બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયા બાદ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ, જેના કારણે દક્ષિણ-પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં 5 લાકથી વધુ લોકો સ્થળાંતર થવા મજબુર બન્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 236 મકાનોમાંથી 27ને સંપૂર્ણ નુકસાન થયું અને 127ને આંશિક નુકસાન થયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, મિઝોરમના સિયાહા જિલ્લામાં ચક્રવાત મોચાએ 2 રાહત શિબિરો સહિત 101 મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ચક્રવાત મોચા બાંગ્લાદેશ અને મ્યાનમારને વિભાજિત કરતી નાફ નદીમાંથી પસાર થયું હતું અને દરિયાકાંઠાના વિસ્તારમાં લેન્ડફોલ થયું હતું.