×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચંદ્ર બાદ હવે સુરજને મળવાની તૈયારી, ISROનું ‘આદિત્ય એલ-1’ તૈયાર, ક્યારે થશે લોન્ચ ?

Image - ISRO

નવી દિલ્હી, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)નું ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં છે. ટૂંક સમયમાં તેનું રોવર દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ મિશન ઉપરાંત ઈસરોની નજર સૂર્ય પર પણ છે. આગામી કેટલાક મહિનામાં ત્યાં એક નવું મિશન લોન્ચ કરાશે. 

...તો સૌરમંડળના ઉર્જા સ્ત્રોત વિશે વધુ માહિતી મેળવી શકાશે

મીડિયા અહેવાલો મુજબ ઈસરો ‘આદિત્ય એલ-1’ યાન પર ઝડપથી કામ કરી રહ્યું છે. જો કે સૂર્યનું તાપમાન એટલું વધુ છે કે, ત્યાં કોઈ પણ માનવ યાન પહોંચી શકતું નથી, પરંતુ આ યાનનો હેતુ તેની નજીક જવાનો હશે, જેથી આપણા સૌરમંડળના ઉર્જા સ્ત્રોત વિશે વધુ માહિતી મેળવી શકાય. જો કે ઈસરોએ આ યાનની લોન્ચિંગ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એવું કહેવાય છે કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેને અવકાશમાં મોકલાશે. આ યાનની લોન્ચિંગ માટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરને પસંદ કરાયું છે. ત્યાંની ટીમ આ માટે તૈયારી કરી રહી છે.

આ બાબતોની કરાશે સ્ટડી

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સૂર્ય પર હંમેશા વિવિધ પ્રકારની ગતિવિધિઓ થતી રહે છે. આ યાન તે ગતિવિધિઓ અને અવકાશ પર તેની અસરનો અભ્યાસ કરશે. ઉપરાંત યાન સાથે કેટલાક પેલોડ પણ મોકલાશે, જેની મદદથી ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના બાહ્ય સ્તરોનો અભ્યાસ કરાશે. આદિત્ય સૂર્યની ઉંમર અને તેની ઊર્જા વિશે પણ અભ્યાસ કરશે. ઈસરોને આ મિશનથી ઘણી આશાઓ છે. અગાઉ તેઓ મંગળ અને ચંદ્રના અભ્યાસ માટે આવા મિશન ચલાવી ચૂક્યા છે.

કેટલું દુર થશે આ યાન ?

જો કે સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે, પરંતુ આદિત્યને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ પર મોકલાશે. વૈજ્ઞાનિકોના મતે લેગ્રેન્જ પોઈન્ટ એવી જગ્યા છે, જ્યાં તમે કોઈ વસ્તુ મુકો તો તે સ્થિર રહેશે. આવું 2 ગ્રહો અથવા તારાઓ વચ્ચેના ગુરુત્વાકર્ષણને કારણે થાય છે.