×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘરેલૂ હિંસાના 4.71 લાખ કેસ પેન્ડિંગ, સરકાર તાત્કાલિક પગલાં ભરે : સુપ્રીમ


- ઘરેલૂ હિંસા સામેના કાયદાઓનો કડક અમલ કરવા રાજ્યો-કેન્દ્રને આદેશ

- મહિલા સુરક્ષા માટે એક જિલ્લામાં માત્ર એક જ સુરક્ષા અધિકારી, તેમની પાસે 500 થી 600 કેસો આવે છે : સુપ્રીમે નોંધ લીધી

- કેન્દ્ર સરકાર દરેક રાજ્યોના સચિવોની સાથે ત્રણ સપ્તાહમાં બેઠક યોજે, પડતર કેસોનું નિરાકરણ લાવે  : સુપ્રીમની ટકોર

- વર્ષ 2001 થી 2018 વચ્ચે ઘરેલૂ હિંસાના કેસોમાં 53 ટકાનો ચિંતાજનક વધારો થયો : સંશોધનમાં ખુલાસો

- પરિવારમાં જ બાળકો પર શારીરિક શોષણ વધવુ ચિંતાજનક, તેની આખી જિંદગી પર અસર કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ કોહલી 

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઘરેલૂ હિંસાને લઇને પેન્ડિંગ કેસો મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ કેન્દ્રને કહ્યું છે કે આ પ્રકારના મામલાઓના નિરાકરણ માટે અને મહિલા સુરક્ષાના કાયદાના અમલમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેના ઉકેલ માટે રાજ્યોના સચિવોની સાથે બેઠક યોજવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે જુલાઇ ૨૦૨૨ સુધીમાં દેશમાં ઘરેલુ હિંસાના ૪ ચાખ ૭૧ હજાર કેસો પેન્ડિંગ હતા જે બહુ જ દુ:ખદ છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સાથે મળીને મહિલાઓ પર અત્યાચાર અટકાવવા માટે યોગ્ય દિશામાં પગલા લેવા લે. 

સુપ્રીમ કોર્ટે ઘરેલૂ હિંસા કાયદા અંતર્ગત સંરક્ષણ અધિકારીઓની નિમણૂકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેની સંખ્યા નિરાશાજનક છે. ન્યાયાધીશ એસઆર ભટ અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેંચે કહ્યું હતું કે એક જિલ્લામાં આવા એક જ અધિકારીનું હોવુ પુરતુ નથી. કેમ કે આવા એક અધિકારીની પાસે ૫૦૦થી ૬૦૦ મામલા આવતા હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવને આદેશ આપ્યો હતો કે તેઓ તાત્કાલીક દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવોની બેઠક બોલાવે અને આ મામલે ચર્ચા કરી નિરાકરણ લાવે. 

આ બેઠકમાં નાણા, ગૃહ અને સામાજિક ન્યાય મંત્રાલયના સચિવો ઉપરાંત નેશનલ કમિશન ફોર વુમન એન્ડ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (એનએએલએસએ)ના પ્રતિનિધિનો પણ સમાવેશ કરવામાં આવે. આ બેઠક ત્રણ સપ્તાહની અંદર બોલાવવામાં આવે. સરકાર આ બેઠકમાં મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓનો કડક અને તાત્કાલીક અમલ કરવાની દિશામાં યોગ્ય પગલા લે, સાથે જ જે કેસો પડતર છે તેનું પણ ઝડપથી નિરાકરણ લાવવામાં આવે. 

 વી  ધ વુમન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા મહિલાઓ પરના ઘરેલુ હિંસાના મામલાઓના નિરાકરણ અને મહિલા સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન દેશમાં પડતર કેસોની જાણકારી પણ આપવામાં આવી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ મહિલાઓ પર અત્યાચાર, અપરાધના જે પણ ૪.૦૫ કેસો નોંધાયા તેમાં ૩૦ ટકા કેસો ઘરેલૂ હિંસાના છે. અન્ય એક સંશોધન મુજબ ભારતમાં વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૧૮ વચ્ચે ઘરેલૂ હિંસાના કેસોમાં ૫૩ ટકાનો વધારો થયો છે. આ સંશોધનમાં નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ બ્યૂરોના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

 દરમિયાન દિલ્હીમાં બાળ અધિકાર રક્ષણ માટેના કમિશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં બોલતી વેળાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હિમા કોહલીએ કહ્યું હતું કે ન્યાયનું મૂળ તત્વ વિવાદોના તાત્કાલીક નિરાકરણમાં જ સામેલ હોય છે, પણ આપણી વ્યવસ્થાએ આવા વિવાદોના નિરાકરણની સમયમર્યાદાને બહુ જ પ્રભાવિત કરી છે. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે બાળકો પરિવારમાં જ શારીરિક શોષણનો ભોગ બનતા હોવાના કિસ્સા વધ્યા છે અને પરિવારજનો દ્વારા જ તેને દબાવી દેવામાં પણ આવે છે. આ પ્રકારના અત્યાચાર બાળકોના આખા જીવન પર અસર પાડી રહ્યા છે.