×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘરેબેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, ICMRએ હોમ બેઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી


- હાલ કોરોના માટે એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે

નવી દિલ્હી, તા. 20 મે, 2021, ગુરૂવાર

કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ (આરએટી) કિટ છે. તેનો ઉપયોગ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા કે પછી સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકો કરી શકે છે.

હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટના વધુ પરીક્ષણની સલાહ નથી આપવામાં આવી. આઈસીએમઆર ઉપરાંત ડીસીજીઆઈએ પણ હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટના માર્કેટમાં વેચાણને મંજૂરી આપી દીધી છે. જો કે, આ ટેસ્ટિંગ કિટ તરત જ માર્કેટમાં ઉપલબ્ધ નહીં થઈ જાય, વ્યાપક રૂપે ઉપલબ્ધ થવામાં તેને થોડો સમય લાગશે. 

આઈસીએમઆર દ્વારા કોવિડની હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી અપાયા બાદ હવે કોરોનાની તપાસ કરવી ખૂબ સરળ બનશે. હાલ ભારતમાં ફક્ત એક જ કંપનીને આની મંજૂરી આપવામાં આવી છે જેનું નામ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડ છે. 

હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાં ઉપલબ્ધ છે જેને તમામ યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. મોબાઈલ એપ ટેસ્ટિંગ પ્રક્રિયાનું એક વ્યાપક માર્ગદર્શક છે જે પોઝિટિવ કે નેગેટિવ રિઝલ્ટ પ્રદાન કરશે. આ એપનું નામ માયલેબ કોવિસેલ્ફ છે. 

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના માટે એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. એન્ટીજનનો રિપોર્ટ તરત મળી જાય છે જ્યારે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ 24 કલાક બાદ આવે છે. પરંતુ હવે કોરોના ટેસ્ટિંગ માટે હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી મળી ગઈ છે તેથી તપાસ ઝડપી બનશે અને લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી શકશે. 

આઈસીએમઆર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવનારાઓએ હવે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. અગાઉ લોકો એન્ટીજન બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હતા.