×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘરવાપસીઃ છત્તીસગઢમાં 1200 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો, દિવંગત ભાજપા નેતાના દીકરાએ યોજ્યો કાર્યક્રમ


- કોઈની ગરીબીનો ફાયદો ઉઠાવીને કરવામાં આવેલું કામ કદી ટકાઉ નથી હોતું: પ્રબલ પ્રતાપ

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2021, રવિવાર

છત્તીસગઢના જશપુર ખાતે દિવંગત ભાજપા નેતા દિલીપ સિંહ જૂદેવના પુત્ર પ્રબલ પ્રતાપ સિંહે 1,200 લોકોની ઘરવાપસી કરાવી હતી. તે અંતર્ગત 300 પરિવારના 1,200 કરતા પણ વધારે લોકોને ફરીથી પાછા હિંદુ ધર્મમાં સામેલ કરવામાં આવ્યા. હિંદુ રીત-રિવાજ પ્રમાણે સૌના પગ ધોઈને તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી. જિલ્લાના પત્થલગાંવ સ્થિત ખૂંટાપાની ગામમાં એક મોટા આયોજન દરમિયાન ઓપરેશન ઘરવાપસીનો કાર્યક્રમ યોજાયો.

ઘરવાપસી કાર્યક્રમનું નેતૃત્વ કરનારા પ્રબલ પ્રતાપે જણાવ્યું કે, આ તમામ લોકોને 3 પેઢી પહેલા ઈસાઈ બનાવવામાં આવ્યા હતા. 2 દિવસીય કાર્યક્રમમાં હજાર કરતા પણ વધારે લોકો એકત્રિત થયા હતા. આર્ય સમાજ અને હિંદુ સમાજ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેના પહેલા ખૂંટાપાની ખાતે આર્ય સમાજની મહિલાઓ દ્વારા કળશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યાર બાદ બાઈક રેલી યોજવામાં આવેલી જેમાં 300 યુવાનો સામેલ થયા હતા અને જોર-જોરથી જય શ્રીરામના નારા લગાવ્યા હતા. 

પ્રબલ પ્રતાપે જણાવ્યું કે, 'અમારા સંઘ સાથે સંકળાયેલા લોકો અને સંગઠન દ્વારા સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યાર બાદ આ બધા જ લોકોને અહેસાસ થયો કે તેમણે પોતાની જાતને ઈસાઈ ધર્મમાં પરિવર્તિત કરીને ભૂલ કરી છે.' પ્રબલ પ્રતાપ સિંહે જણાવ્યું કે, હિંદુત્વની રક્ષા કરવી તે તેમના જીવનનો એકમાત્ર સંકલ્પ છે. ઘરવાપસી કરનારા મોટા ભાગના પરિવાર બસના સરાઈપાલીના હતા. 

પ્રબલ પ્રતાપના કહેવા પ્રમાણે આજે આટલી મોટી સંખ્યામાં લોકોની તેમના મૂળ ધર્મમાં વાપસી એક સારો સંકેત છે. કોઈની ગરીબીનો ફાયદો ઉઠાવીને કરવામાં આવેલું કામ કદી ટકાઉ નથી હોતું. મિશનરીઓએ શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે ધર્મનો સોદો કર્યો હતો પરંતુ અમે સતત આ ષડયંત્રોનો ભાંડાફોડ કરતા રહ્યા.