×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘરનાઓએ જ ઘર છોડવા મજબૂર કર્યો, મોદીને ક્રૂર માનતો હતો પણ એમણે માણસાઈ દાખવી…


- રાહુલ ગાંધી ભર્યા સદનમાં વડાપ્રધાનને ગળે મળ્યા હતા તો ભાજપ સાથે કોણ મળેલું છે તે એક સવાલ

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આજે પહેલી વખત મીડિયા સામે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ખૂબ જ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, G-23 નેતાઓએ ચિઠ્ઠી લખી ત્યારથી પાર્ટી અને તેમના વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 

આઝાદના કહેવા પ્રમાણે પાર્ટી કદી નહોતી ઈચ્છતી કે, તેને કોઈ પ્રકારનો સવાલ કરવામાં આવે અથવા તો પાર્ટીના નેતૃત્વને સલાહ આપવામાં આવે. મોદી તો માત્ર બહાનું છે. કોંગ્રેસની અનેક બેઠકો થઈ હતી પરંતુ એક પણ સૂચન ન લેવામાં આવ્યું.  

આઝાદના કહેવા પ્રમાણે કોંગ્રેસમાં ફક્ત ચાંપલૂસી કરનારા લોકો જ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુલક્ષીને કહ્યું કે, 'હું વડાપ્રધાન મોદીને ક્રૂર સમઝતો હતો પરંતુ તેમણે માણસાઈ દાખવી.'

આ પણ વાંચોઃ મને આવી અટકળોથી પણ નફરત, એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે- આઝાદ

ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારથી એવા આરોપો લગાવાઈ રહ્યા હતા કે, તેમનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. તેનો જવાબ આપતા આઝાદે કહ્યું કે, 'ઘરનાઓએ જ (કોંગ્રેસ) ઘર છોડવા માટે મજબૂર કર્યો. જ્યારે ઘરના લોકોને એમ લાગે કે આ માણસ નથી જોઈતો ત્યારે જાતે ઘર છોડી દેવામાં જ સમજદારી છે. જે માણસ પોતાની સ્પીચ પૂરી થયા બાદ ભર્યા સદનમાં તેમને (વડાપ્રધાનને) મળે તો હું મળેલો છું કે, એ મળેલા છે?'


જયરામ રમેશને આપ્યો જવાબ

આઝાદે જયરામ રમેશને ટાર્ગેટ કરીને કહ્યું કે, 'પહેલા તેઓ (જયરામ રમેશ) પોતાનું DNA ચેક કરાવે કે તેઓ ક્યાંના છે અને કઈ પાર્ટીના છે. તેઓ જુએ કે તેમના DNA કઈ-કઈ પાર્ટીમાં રહ્યા છે. બહારના લોકોને કોંગ્રેસની ખબર જ નથી. જે લોકોને ચાંપલૂસી અને ટ્વિટ કરીને પદ મળ્યા હોય તેઓ આરોપ લગાવે ત્યારે અમને દુઃખ થાય છે.'

હકીકતે પાર્ટી મહાસચિવ જયરામ રમેશે શુક્રવારના રોજ આઝાદને ટાર્ગેટ કરીને એમ કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદના DNA 'મોદીમય' થઈ ગયા છે. આ ઉપરાંત તેમણે આઝાદે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને આઝાદનું રિમોટ કંટ્રોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હોવાનું જણાવ્યું હતું. 

જયરામ રમેશે કહ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી નબીએ એવા સમયે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો જ્યારે પાર્ટી મોંઘવારી, બેરોજગારી અને ધ્રુવીકરણ સામે લડી રહી હતી. 

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અને સોનિયા ઉપર આકરા પ્રહારો કરી આઝાદે રાજીનામુ આપ્યું