×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 6 ક્રમ ગગડી 107મા સ્થાને


- ભારતમાં બાળમૃત્યુદર 4.6 ટકાથી ઘટી 3.3 ટકા થયો

- 122 દેશોના ઇન્ડેક્સમાં ભારત તેના પાડોશીઓ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશથી પણ પાછળ, દક્ષિણ એશિયામાં માત્ર અફઘાનિસ્તાનથી આગળ

- વૈશ્વિક સ્તરે અલ્પ-પોષણવાળી કુલ 82.8 કરોડની વસતીમાંથી 22.4 કરોડ લોકો ભારતના

નવી દિલ્હી : દુનિયાના ૧૨૧ દેશોનો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર થયો છે, જેમાં ભારતની સ્થિતિ પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશથી પણ પાછળ છે. એટલું જ નહીં દક્ષિણ એશિયામાં એકમાત્ર અફઘાનિસ્તાન (૧૦૯) કરતાં ભારત આગળ છે. ગયા વર્ષે ૧૧૬ દેશોમાં ભારત ૧૦૧મા ક્રમે હતું. આમ આ વર્ષે ભારતમાં ભૂખમરાની સ્થિતિ વધુ કથળી હોવાનો હંગર ઈન્ડેક્સમાં દાવો કરાયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મારફત દર વર્ષે વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભૂખની સ્થિતિ માપવામાં આવે છે.

દુનિયામાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાંથી ભૂખમરાની સ્થિતિને દૂર કરવાના આશયથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૦૦થી દર વર્ષે હંગર ઈન્ડેક્સની જાહેરાત કરાય છે. તેની ગણતરી ચાર માપદંડોના આધારે થાય છે, જેમાં કુપોષણ, બાળકોમાં ભયાનક કુપોષણ,બાળકોના વિકાસમાં અવરોધ અને બાળ મૃત્યુદરનો સમાવેશ થાય છે. 

પાંચ વર્ષથી ઓછી વયના બાળકો જેમનું વજન ઊંચાઈની દૃષ્ટિએ ઓછું છે તેમનો સમાવેશ બાળકોમાં ભયાનક કુપોષણમાં કરાય છે જ્યારે જે બાળકોનું વજન તેમની વયની દૃષ્ટિએ ઓછું છે તેમને બાળકોના વિકાસમાં અવરોધની કેટેગરીમાં સામેલ કરાય છે. ભારતમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ (ઊંચાઈની દૃષ્ટિએ ઓછું વજન) ૧૯.૩ ટકા છે, જે ૨૦૧૪માં ૧૫.૧ ટકા અને ૨૦૦૦માં ૧૭.૧૫ ટકા હતો. આ દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ વધુ ખરાબ થઈ હોવાના સંકેત આપે છે. અપૂરતી કેલેરીવાળી વસતીની સરેરાશ પણ ૨૦૧૮-૨૦૦૦માં ૧૪.૬ ટકાથી વધીને ૨૦૧૯-૨૧માં ૧૬.૩ ટકા થઈ છે. આ દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે અલ્પ-પોષણવાળી કુલ ૮૨.૮ કરોડની વસતીમાંથી ભારતમાં ૨૨.૪ કરોડ લોકો છે.

જોકે, ભારતે આ વૈશ્વિક ઈન્ડેક્સમાં બે સૂચકાંકોમાં સુધારો દર્શાવ્યો છે. ૨૦૧૪ અને ૨૦૨૨ વચ્ચે બાળ સ્ટંટિંગનો દર ૩૮.૭ ટકાથી ઘટીને ૩૫.૫ ટકા થયો છે અને આ જ સમયમાં બાળ મૃત્યુદર પણ ૪.૬ ટકાથી ઘટીને ૩.૩ ટકા થયો છે. એકંદરે ભારતનો જીએચઆઈ સ્કોર ૨૦૧૪માં ૨૮.૨થી વધીને ૨૦૨૨માં ૨૯.૧ થઈ ગયો છે.

જીએચઆઈમાં ચીન, તુર્કી અને કુવૈત સહિતના ૧૭ દેશો પાંચથી ઓછા આંક સાથે સહુથી સારી સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા છે. તેમ જીએચઆઈની વેબ સાઇટે શનિવારે જણાવ્યું હતું. હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ દક્ષિણ એશિયામાં શ્રીલંકા (૬૪), નેપાળ (૮૧), બાંગ્લાદેશ (૮૪) અને પાકિસ્તાન ૯૯૯)થી પણ ખરાબ છે.

આ અહેવાલને ટાંકતાં કોંગ્રેસના સાંસદ અને પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર આવી તેનાં ૮ વર્ષમાં સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે. તેઓએ ટિવટર ઉપર તેમ પણ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન બાળકોમાં વ્યાપી રહેલી ઊંચાઈ ઘટાડાની તેઓનાં વેડફાતા જીવનની અને અપૂરતાં પોષણ તથા ભૂખમરાની સ્થિતિ પ્રત્યે ક્યારે ધ્યાન આપશે ?

આ ખ્યાતનામ અર્થશાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આયરિશ એઇડ એજન્સી અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર લાઇફ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં ભારતની ભૂખમરાની પરિસ્થિતિને અતિ ગંભીર દર્શાવી હતી. ૨૦૨૧માં ભારત ૧૦૧મા સ્થાને હતું. આ વર્ષે ત્યાંથી પણ નીચું ઉતરી તે ૧૨૧ દેશોમાં ૧૦૭માં સ્થાને પહોંચી ગયું છે. તેટલું જ નહીં પરંતુ તે દ્રષ્ટિએ તો ભારતનું સ્થાન ગરીબ ગણાતા દેશો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ કરતાં પણ નીચું ઉતરી ગયું છે.

કેન્દ્ર સરકારે જીએચઆઈનો રિપોર્ટ ફગાવ્યો

હંગર ઈન્ડેક્સ વાસ્તવિક્તાથી જોજનો દૂર : કેન્દ્રના પ્રયાસોની અવગણના કરાઈ

સંયુક્ત રાષ્ટ્રે શનિવારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ૨૦૨૨ જાહેર કરવાની સાથે જ ભારતમાં હોબાળો મચી ગયો હતો. આ સૂચકાંકમાં ભારતની સ્થિતિ ભૂખમરાનો સામનો કરતાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ખરાબ દર્શાવાતા કેન્દ્ર સરકાર ભડકી છે. સરકારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સના રિપોર્ટને જ ફગાવી દીધો છે. સરકારે કહ્યું કે ખોટા માપદંડોથી આ રિપોર્ટ તૈયાર કરાયો છે.

કેન્દ્ર સરકારે વધુમાં આક્ષેપ કર્યો કે આ રિપોર્ટ માત્ર વાસ્તવિક પરિસ્થિતિથી અલગ જ નથી, પરંતુ તે સરકાર તરફથી દેશમાં ભૂખમરો દૂર કરવા માટે કરાઈ રહેલા પ્રયાસોની ઈરાદાપૂર્વક અવગણના પણ કરે છે. આ રિપોર્ટમાં અનેક ગડબડ છે. તેમાં વસતીની દૃષ્ટિએ ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવા માટે સરકાર તરફથી કરાયેલા પ્રયાસોની ઈરાદાપૂર્વક અવગણના કરાઈ છે.

સરકારે કહ્યું કે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. દુનિયામાં અનેક બાબતો અને ઈન્ડિકેટર્સમાં આગળ છે. પરંતુ દરેક વખતે હંગર ઈન્ડેક્સમાં તે પાછળ રહી જાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નું કહેવું છે કે જીએચઆઈના માપદંડો યોગ્ય નથી. ભૂખમરાને માપવા માટે દરેક દેશના પોતાના માપદંડ હોય છે, કારણ કે દરેક દેશની પરિસ્થિતિઓ, પર્યાવરણ અને ખાન-પાન અલગ હોય છે.