×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગ્લોબલ સ્ટોક માર્કેટમાં રૂ.850 લાખ કરોડ સાફ: શું હવે ઘટાડો અટકશે?

નવી દિલ્હી,તા. 16 મે 2022,સોમવાર

છેલ્લા અઢી મહિનામાં વૈશ્વિક શેરબજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે અને તેની સાથે સંપત્તિનો ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વખતે મોંઘવારી, યુદ્ધ અને વધી રહેલા વ્યાજના દર કારણો છે અને સૌથી મહત્વની વાત છે કે ટેકનોલોજી શેરોમાં સૌથી મોટા કડાકા બોલી ગયા છે. વર્તમાન ઘટાડામાં વૈશ્વિક શેરબજારમાં ૧૧ લાખ કરોડ ડોલર (એટલે કે લગભગ રૂ.૮૪૭ લાખ કરોડ)નું ધોવાણ થયું છે. આ આંકડો ભારતના શેરબજારની, બધી જ લીસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન કરતા ત્રણ ગણું થાય! ભારતના કુલ જીડીપી કરતા સાડા ત્રણ ગણું થાય!

સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર વેચવાલીમાં અમેરિકન ટેકનોલોજી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના નાસ્ડાક ઇન્ડેક્સમાં જાન્યુઆરીની સામે ૨૭ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને તેના કારણે આ શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓનું મૂલ્ય ૭.૬ લાખ કરોડ ડોલર ઘટી ગયું છે. વિશ્વના કુલ ઘટાડામાં એકલા આ બજારનો હિસ્સો ૭૦ ટકા જેટલો છે. 

નાસ્ડાકમાં   ઘટાડાના કારણો

સંપત્તિમાં ઘટાડો લાખ કરોડ ડોલર

ડોટ કોમ બબલ

૪.૬

સબ પ્રાઈમ ક્રાઈસીસ

૨.૩

કોવિડ૧૯

૪.૪

વર્તમાન ઘટાડો

૭.૬


અત્યારે ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે?

કોરોનાથી અર્થતંત્ર બહાર નીકળી રહ્યું હોવાથી અચાનક જ માંગ સામે પુરવઠો ઓછો પડતા મોંઘવારી વધવી શરુ થઇ હતી. આ સમયે જ રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ કરતા કેટલીક આવશ્યક ચીજોનો પુરવઠો અટકી પડ્યો છે. આમેરિકામાં ચાર દાયકામાં સૌથી ઉંચી મોંઘવારી છે. ભારતમાં એક દાયકાની, બ્રિટનમાં ત્રણ દાયકાની સૌથી વધુ મોંઘવારી છે. આ મોંઘવારીની સાથે વિશ્વમાં કોરોના સામે ટક્કર લેવા વિશ્વના અર્થતંત્રમાં ઠાલવવામાં આવેલા જંગી નાણાના લીધે પણ માંગ અટકી રહી નથી. વ્યાજના દર વિક્રમી રીતે નીચે છે એટલે હળવી શરતોએ દેવું કરી દુનિયા ઊંચા ભાવે પણ ખરીદી કરી રહી છે. 

ખરીદી અટકે, પૈસો ફરી મોંઘો બને એ માટે અમેરિકા, બ્રિટન, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ જેવા અર્થતંત્રમાં વ્યાજના દર વધી રહ્યા છે. વ્યાજના દર વધે એટલે કંપનીઓની કમાણી ઘટે અને ટેકનોલોજી શેરોમાં વળતર ઘટે એવી શક્યતાએ આ વેચવાલી ચાલી રહી છે. વ્યાજના દર હજુ વધવા શરુ થયા છે. અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં હજુ એક ટકો વ્યાજનો દર વધશે એવી આગાહી થઇ રહી છે. ખુદ ફેડરલ રીઝર્વ ચેરમેન જણાવી રહ્યા છે કે વ્યાજ દર વધતા રહેશે. ઊંચા વ્યાજના કારણે ચીજોની માંગ ઘટી જશે એટલે અન્ય શેરોમાં પણ વેચવાલી ચાલી રહી છે. 

આ મંદી ક્યારે અટકશે?

વિશ્વની શેરબજારમાં સ્ટ્રેટેજી નક્કી કરતા મોર્ગન સ્ટેન્લી, સિટી ગ્રુપ એવું માને છે કે ઊંચા વ્યાજ દર એ મોંઘવારીના કારણે ભલે ૧૧ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું પણ આ ઘટાડો હજુ અટકશે નહી. બજારમાં વ્યાજ દર અંગેની ચિંતા અને તેના કારણે અમેરિકામાં વર્ષ ૨૦૨૩માં સંભવિત મંદીની દહેશત છે. જે રીતે બજારમાં અમેરિકન બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે અને ડોલર બે દાયકાની ઉંચી સપાટીએ છે એ દર્શાવે છે કે જોખમ છોડી લોકો સલામતી શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રોથ શેર (એટલે કે એવા શેર જેનો આધાર હળવા વ્યાજ દરના લીધે વધતી માંગ હોય) વિષે વિચારી રહ્યા છે. બીજું, કંપનીઓની કમાણી ઘટે તો તેના ભાવ પણ સાથે ઘટવા જોઈએ જ. 

આવી સ્થિતિમાં રોકાણકારો કોમોડીટીઝ કંપનીઓ અને વેલ્યુ બાઈંગમાં વિશ્વાસ મુકે છે. કોમોડીટીઝ એટલે એવી કંપનીઓ કે જેની માંગ સતત અને અવિરત ચાલતી રહે. જ્યાં સુધી બજારમાં ગ્રાહક હોય ત્યાં સુધી તેમની ચીજોનું વેચાણ થતું જ રહે. વેલ્યુ બાઈંગમાં એવા શેરની ખરીદી કરવામાં આવે છે જેમાં ઘટાડો વધારે પડતો હોય. બહુ ઘટાડાના કારણે ઓછા જોખમે શેરની ખરીદી કરી શકાય.