×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગોરખપુર કાંડઃ ડંડા વડે મારપીટ, માથા પર જીવલેણ ઈજા, પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી પોલીસની બર્બરતાની પોલ


-  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરૂવારે પીડિત પરિવારની મુલાકાત લઈ શકે છે

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાના શંકાસ્પદ મૃત્યુનો કેસ ગરમાઈ રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં જ પીડિત પરિવારની મુલાકાત લેશે. તેવામાં પરિવાર અંત્યેષ્ટિ માટે પણ માની ગયો છે. જોકે હવે મનીષ ગુપ્તાનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે તેનાથી અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પૃષ્ટિ થઈ રહી છે કે, મનીષ ગુપ્તાના મૃત્યુ પાછળ પોલીસ દ્વારા બર્બર રીતે જે મારપીટ કરવામાં આવી તે જ સૌથી મોટું કારણ છે. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મનીષ ગુપ્તાના શરીર પર 4 ગંભીર ઈજાઓના નિશાન મળ્યા છે. જ્યારે માથામાં જે ઉંડો ઘા વાગ્યો હતો તે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, મનીષ ગુપ્તાના જમણા હાથના કાંડા પર ડંડા વડે ગંભીર ઈજા પહોંચી હતી. 

તે સિવાય જમણા હાથની બાજુ પર ડંડા વડે મારપીટના નિશાન પણ મળ્યા છે. ઉપરાંત ડાબી આંખના ઉપરી પોપચા પર પણ ઈજા પહોંચી છે. મનીષ ગુપ્તાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે, કઈ રીતે તેમના સાથે બર્બરતા કરવામાં આવી અને આ મારપીટ જ મૃત્યુનું કારણ બન્યું. 

ઉલ્લેખનીય છે કે, કાનપુરના પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાનું ગોરખપુર ખાતે મૃત્યુ થયું હતું. આ કેસમાં 3 પોલીસકર્મીઓ સહિત કુલ 6 લોકો પર હત્યા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ શંકાસ્પદ મૃત્યુ બાદ મનીષના પરિવારજનો સતત પ્રદર્શન કરી રહ્યા હતા અને રાજ્ય સરકાર પાસે ન્યાયની માગણી કરવામાં આવી હતી. 

જિલ્લા પ્રશાસને બુધવારે જ્યારે મનીષ ગુપ્તાની પત્ની મીનાક્ષીની મુલાકાત લીધી, તેમની વાત માનવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો ત્યાર બાદ પરિવારજનો અંત્યેષ્ટિ માટે તૈયાર થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરૂવારે પીડિત પરિવારની મુલાકાત લઈ શકે છે.