×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ પત્રકારોને આપી ગાળો- 'મગજ ખરાબ છે, સા##… શરમ નથી આવતી'


- જે વીડિયો સામે આવ્યો હતો તેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પત્રકારો પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર, 2021, બુધવાર

લખીમપુર હિંસા મામલે દીકરા આશિષ મિશ્રા મોનૂ પર હત્યાનો પ્રયત્ન અને આર્મ્સ એક્ટ લાગુ થયા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ પોતાનો પિત્તો ગુમાવ્યો છે. તિકુનિયા હિંસા મામલે દીકરા આશીષ મિશ્રાને ફસાતો જોઈને પત્રકારોના સવાલ પર ઉશ્કેરાઈ ગયેલા અજય મિશ્રા ટેનીએ મીડિયાકર્મીઓ પર ગુસ્સો ઉતારીને તેમને અપશબ્દો કહ્યા હતા. 

મધર ચાઈલ્ડ કેરના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને દીકરા આશિષ મિશ્રા અંગે સવાલો પુછવામાં આવ્યા ત્યારે તેમણે 'આ સા#& જે મીડીયાવાળા છે ને, એક નિર્દોષ માણસને ફસાવ્યો છે, શરમ નથી આવતી, કેટલા ગંદા લોકો છો... હોસ્પિટલ છે, બધું છે, એ નથી દેખાતું' એમ કહ્યું હતું.

પત્રકારોએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને એસઆઈટી રિપોર્ટ અંગે સવાલ કર્યો તો તેઓ ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'જઈને એસઆઈટીને પુછો, એ તો તમારા મીડિયાવાળા છેને, એમણે જ સા#& એ એક નિર્દોષ માણસને ફસાવ્યો છે, શરમ નથી આવતી, કેટલા ગંદા લોકો છો... શું જાણવા માગો છો, એસઆઈટીને ન પુછ્યું..' 

જે વીડિયો સામે આવ્યો હતો તેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પત્રકારો પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. જોકે સાથે ઉભેલા લોકોએ તેમને રોકી લીધા હતા અને ત્યાર બાદ અજય મિશ્રા ટેનીએ પત્રકારોને અપશબ્દો કહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત તમામ 13 આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તપાસ અધિકારીની અરજી પર કોર્ટે મંગળવારે તમામ આરોપીઓ પર હત્યા, ઈરાદાપૂર્વક હત્યા અને બેદરકારીથી ગાડી ચલાવવાની કલમ હટાવીને એકમત થઈને હત્યાના પ્રયત્ન અને હથિયારોના લાઈસન્સના દુરૂપયોગની કલમને મંજૂરી આપી દીધી છે.