×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુલામ નબીની રાજ્યસભામાંથી વિદાય, આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરીને ભાવુક થયા PM મોદી


- ગુલામ નબી આઝાદના ઘરનો બગીચો કાશ્મીરની યાદ અપાવે છે

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત કુલ 4 સાંસદોએ આજે સદનમાંથી વિદાય લીધી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગુલામ નબી આઝાદની ભરપૂર પ્રશંસા કરી હતી. એક આતંકવાદી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર જે વાત થઈ હતી તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદી સદનમાં ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાને ગુલામ નબીની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેઓ અહીંના ઘરમાં બગીચો સંભાળે છે જે કાશ્મીરની યાદ અપાવે છે. 

આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ

વડાપ્રધાને જણાવ્યું કે, જ્યારે આતંકવાદીઓએ ગુજરાતના યાત્રિકો પર હુમલો કર્યો ત્યારે સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીએ તેમને ફોન કર્યો હતો. તે ફોન ફક્ત સૂચના આપવા માટે જ નહોતો પરંતુ ફોન પર ગુલામ નબી આઝાદના આંસુ નહોતા રોકાઈ રહ્યા. 

વડાપ્રધાને જણાવ્યું કે, તે સમયે પ્રણવ મુખર્જી સંરક્ષણ મંત્રી હતા અને તેમના પાસેથી સેનાના હવાઈ જહાજની વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી. તે સમયે ગુલામ નબી આઝાદે એરપોર્ટ પરથી જ ફોન કર્યો હતો. જેવી રીતે પોતાના પરિવારજનોની ચિંતા કરવામાં આવે છે તેવી રીતે જ આઝાદજીએ તેમની ચિંતા કરી હતી. વધુમાં જણાવ્યું કે, જીવનમાં સત્તા તો મળતી રહે છે પરંતુ તેને કેવી રીતે ઓળખવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. સાથે જ એક મિત્ર તરીકે તેઓ આઝાદજીનો ખૂબ જ આદર કરે છે તેમ પણ જણાવ્યું હતું. 

દળની સાથે દેશની ચિંતા

પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે, ગુલામ નબી દળ (પાર્ટી)ની સાથે દેશનું પણ વિચારે છે અને તેમની ખોટ પૂરી કરવી કોઈ પણ માટે મુશ્કેલ બનશે. વડાપ્રધાને એક પ્રસંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જ્યારે તેઓ ચૂંટણીલક્ષી રાજકારણમાં નહોતા પ્રવેશ્યા તે સમયે એક વખત તેઓ ગુલામ નબી સાથે લોબીમાં વાત કરી રહ્યા હતા. તે સમયે પત્રકારોએ તેમને વાત કરતા જોયા હતા અને ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આપ્યો કે, તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જોવો પરંતુ અહીં પરિવાર જેવો માહોલ જ હોય છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત PDPના 2 અને ભાજપના એક સાંસદનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને વિદાય આપી હતી. વડાપ્રધાને જે સદસ્ય આજે વિદાય લઈ રહ્યા છે તેમના માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા જ છે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.