×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુરુગ્રામમાં હિંસાનો સિલસિલો યથાવત્ : બદમાશોએ મજારને લગાવી આગ, FIR દાખલ

ગુરુગ્રામ, તા.07 ઓગસ્ટ-2023, સોમવાર

ગુરુગ્રામમાં ફરી હિંસાની ઘટના સામે આવી છે. અહીં એક ગામમાં કેટલાક અજાણ્યા બદમાશોએ આજે સવારે એક મજારને આગ લગાડતા મામલો બિચક્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના બારાબાંકી જિલ્લાના રહેવાસી અને મજારની દેખરેખ રાખનાર ઘસીટે રામ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ તેઓ ગઈકાલે રાત્રે ખાંડસા ગામમાં મજારથી ફિરોજ ગાંધી કોલોની સ્થિત તેમના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સ્થિતિ સામાન્ય હતી.

આસપાસના લોકોની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો

તેમણે સેક્ટર-37 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રે લગભગ એક વાગેને 30 મિનિટે મને મજાર પાસે રહેનારા કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે, કેટલાક અજાણ્યા બદમાશોએ મજારને આગ લગાડી દીધી છે. તેમણે જણાવ્યું કે, આસપાસના લોકોની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો છે. રામે ફરિયાદમાં જણાવ્યું કે, જ્યારે મેં ત્યાં જઈને જોયું તો મજાર પર ચઢાવાયેલી સામગ્રી બળી ગઈ હતી. મને માહિતી મળી કે, પાંચ-છ યુવાઓ ત્યાં એકઠા થયા અને મજાર પર આગ ચાંપી દીધી.

મજાર પર વિવિધ ધર્મોના લોકો પણ આવે છે નમન કરવા

તેમણે કહ્યું કે, આ ઘટનાથી લોકોની આસ્થાને ઠેર પહોંચી છે અને સમાજમાં ખોટો સંદેશ જશે. તેમણે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રામે કહ્યું કે, તેઓ લગભગ 7 વર્ષથી મજારની દેખરેખ રાખવાનું કામ કરી રહ્યા છે અને તેમણે અહીં તમામ ધર્મોના લોકોને શ્રદ્ધાંજતિ આપતા જોયા છે. તેમણે આજે સવારે જણાવ્યું કે, આ પીર બાબાની દાયકાઓ જુની મજાર છે અને તમામ ગ્રામજનો અહીં નમન કરવા આવે છે. તેમને આશંકા છે કે, બહારના લોકોએ મજારને આંગ ચાંપી હશે.

ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે પડોશી જિલ્લા નૂંહમાં સાંપ્રદાયિક ઘર્ષણ ઉભુ થયું હતું, જેની અસર ગુરુગ્રામના કેટલાક વિસ્તારો સુધી જોવા મળી હતી. ત્યારબાદ ગુરુગ્રામમાં કલમ-144 લાગુ કરાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા બદમાશો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.