×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુડ ન્યુઝ! હવે ઓનલાઇન સ્લોટ બુક કર્યા વિના પણ 18-44 વર્ષના લોકો રસી લગાવી શકશે

નવી દિલ્હી, 24 મે 2021 સોમવાર

રસી લેનારાઓની સુવિધા માટે Cowin પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જ્યારથી 18-44 વર્ષની વયનાં લોકો માટે રસીકરણ શરૂ થયું છે ત્યારથી, હજારો લોકો દરરોજ Cowin પોર્ટલ પર રસીકરણ અને ખાલી જગ્યાઓ માટે સ્લોટ બુક કરાવવા માટે આવે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે 18-44 વર્ષની વયના લોકો હવે કોઇ પણ એપોઇન્ટમેન્ટ વિના કોઈ પણ સરકારી રસીકરણ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. તેની શરૂઆત આજથી એટલે કે 24 મી મેથી થઈ ગઇ છે.

મંત્રાલયે કહ્યું છે કે હવે 18-44 વર્ષના બાળકોને રસી અપાવવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. જો તમે પહેલાથી નોંધણી કરાવી લીધી હોય તો તે સારૂ છે, નહીં તો તમારે રસીકરણ કેન્દ્ર પર નોંધણી કરાવી લેવી પડશે અને તે પછી તમને એપોઇન્ટમેન્ટ અને રસી મળશે. મંત્રાલયે કહ્યું છે કે ઓનલાઇન નિમણૂક દરમિયાન ઘણી જગ્યાએ રસી બરબાદ થતી હોવાનાં રિપોર્ટ પ્રાપ્ત થયા છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સંદર્ભે જાણ કરવામાં આવી છે. અલગ-અલગ રાજ્યોનાં નિર્ણય બાદ જ ત્યાં ઓનસાઇટ નોંધણી અને એપોઇન્ટમેન્ટ મળશે. એટલે કે અંતિમ નિર્ણય રાજ્ય સરકારના હાથમાં છે.

મંત્રાલય દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સુવિધા હાલમાં ફક્ત સરકારી રસીકરણ કેન્દ્રમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી ઉપરના લોકોને એપોઇન્ટમેન્ટ વિના રસી આપવામાં આવી હતી, જ્યારે 18-64 વર્ષના લોકોએ Cowin પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઓનલાઇન સ્લોટ બુક કરાવવી પડતી હતી, જેમાં લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

જાણો ગુજરાત સરકારે શું કહ્યું

આ વિશે રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત રાખેલી છે.