×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત HCનો દેખાવો કે રેલીની મંજૂરી અંગેના નિયમોને લઇ પોલીસ કમિશનરને આદેશ

Image : Official

અમદાવાદ, 11 માર્ચ 2023, શનિવાર

રાજ્યમાં રેલી કે વિરોધ પ્રદર્શનની મંજૂરી અંગેના નિયમોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક અરજી પર આજે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે જણાવ્યુ હતું કે દેખાવો કે પ્રદર્શન તેમજ રેલીના નિયમો જાણવાનો દરેક નાગરિકોને અધિકાર છે. આ ઉપરાંત વિરોધ કરવાની મંજૂરી શા માટે મળી નથી તે અંગે પણ જાણકારી મેળવવાનો અધિકાર છે. આ સાથે કોર્ટે એક મહિનામાં વેબસાઈટ પર મંજૂરી અંગેના નિયમો મૂકવા પોલીસ કમિશનરને આદેશ કર્યો છે.

યુવતીની અરજીને પોલીસે ફગાવી હતી

રાજ્યમાં એક યુવતીએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટના કાયદા સામે દેખાવો કરવા પોલીસ પાસે મંજૂરી માગી હતી પરંતુ પોલીસ કમિશનરે આ મજૂરીની અરજી ફગાવી દીધી હતી. પોલીસે આ યુવતીની અરજીને ક્યા કારણોસર અને દેખાવો માટે નિયમો શું છે તેની જાણકારી આપ્યા વગર જ ફગાવી દીધી હતી. આ યુવતીએ રાઈટ ટુ ઈન્ફોરમેશન એક્ટ હેઠળ વિગતો માંગી હતી પરંતુ પોલીસે આ અરજી પર પણ જવાબ આપ્યો ન હતો.

યુવતીએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા

પોલીસ તરફથી કોઈ વિગતો જાણવા ન મળતા યુવતીએ અંતે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને આ અંગે હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. તેણીએ હાઈકોર્ટમાં સામાન્ય નાગરિકોને પ્રદર્શન, રેલી કે દેખાવો માટે મંજૂરી લેવાના નિયમો પોલીસ વેબસાઈટ પર મૂકવા માટે રજૂઆત કરી હતી.

હાઈકોર્ટનો પોલીસ કમિશનરને આદેશ

આ અરજી પર ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને RTI અંગે જણાવ્યુ હતું કે માહિતી અધિકારના કાયદાને પોલીસ હાંસિયામાં ધકેલી ન શકે તેમજ વિરોધ પ્રદર્શન, રેલી કે દેખાવોની મંજૂરી લેવાના નિયમો જાણવાનો દરેક નાગરિકોને અધિકાર છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે સામાન્ય નાગરીકોને આ અંગેના નિયમો વેબ પોર્ટલ પર મૂકવા પોલીસ કમિશનરને આદેશ કર્યો હતો.