×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સ્થાપના દિવસ: દેશની એક પ્રયોગશાળાના ભૂતકાળમાં ડોકિયું


- કોંગ્રેસ વિરુદ્ધ મોરચો રચવાનો પ્રયોગ ગુજરાતે 1975માં કરેલો જે 1977માં દેશે અપનાવેલો

અમદાવાદ, તા. 01 મે 2022, રવિવાર

દેશ આઝાદ થયો પછી 13 વર્ષે, 1960માં ગુજરાતનું અલગ, આગવું રાજ્ય  સ્થપાયું. એ હિસાબે 62 પૂરાં, 63માં પગલું માંડવાનો દિવસ એટલે પહેલી મે. રાજકીય-સામાજિક ઈતિહાસકારો ગુજરાતને હવે એક પ્રયોગશાળા તરીકે ઓળખાવીને કહેતા થયા છે કે ગુજરાત જેનો પ્રયોગ કરે છે એ વાતને પછી દેશ અનુસરે છે. એક ગુજરાતી તરીકે આનંદ અનુભવાય, પણ કેવળ ગુજરાતી બનીને નહીં. કેમકે ગુજરાતે ભૂતકાળમાં જ ઘણા ઉદાહરણ પેશ કર્યા છે જે નવી પેઢીને ખબર નથી. આવા પ્રયોગોની એક રસપ્રદ ઝલક આવી કંઈક છે.

- આ રાજ્યનું ઉદઘાટન એક એવા મૂક લોકસેવકના હસ્તે થયું હતું જે ગાંધીવિચાર-આચારના  સાચા વારસદાર હતા. કોઇ રાજનેતા નહીં, રવિશંકર મહારાજ જેવા ચાર ચોપડી ભણેલા પરંતુ  દેશસેવામાં ડૉક્ટરેટ એવા મૂઠી ઊંચેરા માનવીના હસ્તે કરાવવાનો અનુકરણીય પ્રયોગ ગુજરાતે કરેલો.

- મહાગુજરાત આંદોલન ટાણે, વશીભૂત કરી મેલે એવા દેશના પ્રિય વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સત્તાવાર સભા કરતાં  આમ-આદમીને દોરનારા ઝૂંઝાર નેતા ઈન્દુલાલ યાજ્ઞિકની જાહેરસભામાં,  હજારોની સંખ્યામાં ઉમટી પડવાનો લોકોનો પ્રયોગ  દેશમાં પહેલો હતો, જે અમદાવાદમાં થયેલો.

- હું બહુમતી ધરાવું છું, મને મુખ્યમંત્રી બનવાનો હક છે એવો રીતસરનો બળવો કરનારા ચીમનભાઈ પટેલે ઈન્દિરાશાહીને પડકરી હતી. 1972માં, પંચવટી પ્રકરણ સર્જનારા ચીમનભાઈએ બહુમતી ધારાસભ્યોને આમ બંધક બનાવેલા એ પ્રયોગ પણ પહેલો હતો. 24 વર્ષ પછી  ભાજપના શંકરસિંહ વાઘેલાએ પણ ખજુરાહો પ્રકરણ સર્જી હાઈકમાન્ડને પડકારેલું!

- હાઈકમાન્ડને પડકારનારા ચીમનભાઈને  યુવાશક્તિએ પડકારેલા. નવનિર્માણ આંદોલન દ્વારા આખું ગુજરાત બળવાખોર બનેલું. આંદોલનને કારણે કોઈ મુખ્યમંત્રીને ગાદી છોડવી પડે છે એવો પ્રયોગ ગજરાતે કરી દેખાડેલો.

- લોકપ્રતિનિધિઓને પાછા બોલાવી શકાય, રાજીનામું આપવા ફરજ પાડી શકાય એવો અઘોષિત રાઈટ ટુ રિકોલનો એક દાખલો નવનિર્માણ આંદોલને સૂચવ્યો હતો. ગુજરાત વિધાનસભાને  વિસર્જિત કરવાને બદલે મૂર્છિત રાખી ધારાસભ્યોને લલચાવી, તોડજોડ કરાવી સરકાર રચવાની પેરવી પર પાણી ફેરવવાનો પ્રયોગ ગુજરાતે, કોંગ્રેસી હકૂમત ટાણે કરેલો.

- કોંગ્રેસ વિરુદ્ધ મોરચો રચવાનો પ્રયોગ ગુજરાતે 1975માં કરેલો જે 1977માં દેશે અપનાવેલો. ઈન્દિરા ગાંધીને સત્તા ગૂમાવવી પડેલી. 1975ની કટોકટી વખતે ગુજરાતને સ્વતંત્રાનો ટાપુ બનાવી રાખવનો પ્રયોગ બાબુભાઈ  જશભાઈ પટેલે આ જ ગુજરાતમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ જઈને કરેલો!

- સત્તા માટે જ્ઞાતિગત સમીકરણ રચી વિક્રમરૂપ બેઠકો હાંસલ કરવાનો પ્રયોગ માધવસિંહ સોલંકીએ, સાથીદારોએ "ખામ" થિયરી રચીને કરેલો. 149 બેઠક જીતવાનો વિક્રમ યથાવત્ છે.

- એકેય ચૂંટણી નહીં લડેલા, સંઘપ્રચારકને કોઇ રાજ્યના મુખ્યમંત્રી બનાવી શાસન સોંપવાનો પ્રયોગ પણ ગુજરાતમાં થયો જે દેશમાં પહેલીવારનો હતો. 2001માં ગુજરાતમાં કેશુભાઈ પટેલને અધવચ્ચે રવાના કરી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા હતા. જોકે, નરેન્દ્ર મોદી પોતાના જોરે એવા ઉભરી રહ્યા કે હવે એ ભારતીય જનતા પક્ષનો એકમાત્ર  ચહેરો છે જે કોઈની હાર-જીતમાં નિર્ણાયક બની રહે છે. ગુજરાતમાં સૌથી લાંબાગાળાના મુખ્યમંત્રી બની રહેલા મોદી, ગુજરાતમાં પોતે કરેલા પ્રયોગો દેશમાં ય અમલી બનાવી રહ્યા છે.

હમણાં, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાતને પ્રયોગશાળા ગણાવી. એમનો હેતુ, રાજકીય પરિપ્રેક્ષ્યમાં છે. ભાજપનો, ગુજરાતમાં છેલ્લો (આખરી નહીં) પ્રયોગ  વિજય રૂપાણીની આખી ય સરકારને સાગમટે હાંકી કાઢવાનો હતો. નવા ચહેરા સાથે  ચૂંટણી લડવાનો પ્રયોગ હજુ બાકી છે. આમ જોવા જઈએ તો  ભાજપના 1995થી 2022 સુધીના 27 વર્ષમાં બહુમતી હોવા છતાં ય 4 મુખ્યમંત્રીઓને-કેશુભાઈ, સુરેશ મહેતા, આનંદીબહેન, વિજય રૂપાણીને અધવ્ચ્ચે જ સત્તા છોડવી પડી એય પ્રયોગ જ ગણવા જેવા છે.

- મુકુંદ પંડ્યા