×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સહિત 12 રાજ્યોમાં પાંચ દિવસ સુધી વરસાદનું એલર્ટ, વીજળી પડવાથી નવ લોકોના મોત


હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઓડિશા સહિત 12 રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નદીઓ અને નાળાઓમાં પાણી ભરાય ગયા હતા જ્યારે યુપી અને મધ્ય પ્રદેશમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં નવ લોકોના મોત થયા છે.


અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ દેશના મોટાભાગના પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેમાં બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ઓડિશા અને બિહારનો સમાવેશ થાય છે. ગુજરાત, ઉત્તરાખંડ અને રાજસ્થાનના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.


હિમાચલમાં યલો એલર્ટ જાહેર

હિમાચલમાં યલો એલર્ટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેમા ધરમપુર-ગડખેલ-કસૌલી રોડ ભારે વરસાદને કારણે તૂટી ગયો છે. આ સાથે ભુસ્ખલન થતા કાલકા-શિમલા NH હાઈવ પણ બંધ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં નદી-નાળાઓ છલકાઈ ગયા છે. જેના કારણે કુલ્લુમાં રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઈડિંગ રોકવી પડી હતી. બીજી તરફ ભારે વરસાદ વચ્ચે ગઈકાલે મધ્ય પ્રદેશના પન્ના અને ટીકમગઢ જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયા છે જ્યારે યુપીના બંધાઉનમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે.


લુધિયાણામાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાઓમાં અતિભારે અવિરત વરસાદ થયો છે. આ દરમિયાન લુધિયાણામાં 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. અહીં 5 જુલાઈના રોજ 82.6 મીમી વરસાદ નોંધાયો હતો. અગાઉ 1972માં 5 જુલાઈના રોજ 57.5 મીમી વરસાદ પડ્યો હતો.

ગોવામાં મહિલાનું મોત

ગોવામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન પૂરના પાણીમાં તણાઈ જવાથી 56 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. 

કેરળના અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ

કેરળમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેરળના અલપ્પુઝા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

બિહારમાં પોલસ સ્ટેશન પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી મુજબ બિહારમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. બિહારના દરભંગા જિલ્લાના બેનટા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા.