×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સહિત દેશના મોટા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં યલો એલર્ટ


ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુજરાત સહિત દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 398 મીમી કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી ઉત્તર પશ્ચિમથી દક્ષિણ ભારત અને બિહારથી પશ્ચિમ બંગાળ સુધી હળવાથી મધ્યમ અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત

સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના દક્ષિણના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારી જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે ત્યારે આ જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાયા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ આ સ્થિતિ છે. રાજ્યના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ જિલ્લામાં, પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી બચવા માટે ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગયેલા બે લોકોને ઘણા કલાકો બાદ એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.


આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

મહારાષ્ટ્ર, ગોવા અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને આગામી ત્રણથી ચાર દિવસ સુધી હળવા વરસાદની શક્યતા છે. IMDએ 4 જુલાઈ સુધી ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. આ સાથે જ ઘણા વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના અનુસાર રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.

જમ્મુમાં 4 જુલાઈ સુધી સ્વચ્છ હવામાન

કાશ્મીરમાં સ્વચ્છ હવામાનને કારણે ગરમીનો અહેસાસ વધ્યો છે. ઘણા જિલ્લાઓમાં દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું છે. જમ્મુ ડિવિઝનમાં પણ ગરમી વધવા લાગી છે. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર, જમ્મુના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ સિવાય 4 જુલાઈ સુધી હવામાન લગભગ સ્વચ્છ રહેશે. જોકે 5 જુલાઈએ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

કુમાઉમાં ઘણા માર્ગો બંધ, નૈનીતાલમાં ધુમ્મસના વાદળ

હલ્દવાની સહિત કુમાઉના મોટાભાગના વિસ્તારોમાં તૂટક તૂટક ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.  અનેક જગ્યાએથી ભુસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. નૈનીતાલમાં ધુમ્મસ છે તેમજ હવામાન કેન્દ્ર દહેરાદૂને કુમાઉ ડિવિઝનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.