×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સહિત આઠ રાજ્યોમાં PFI સામે દરોડા, 200ની ધરપકડ


- આતંકવાદ સામે સકંજો કસતી સરકાર : સપ્તાહમાં બીજી વખત એનઆઇએની દેશવ્યાપી કાર્યવાહી

- અત્યાર સુધીમાં 400થી વધુ સામે કાર્યવાહી, આસામના મુખ્યમંત્રીએ કેન્દ્ર સમક્ષ પીએફઆઇ પર પ્રતિબંધની માગ કરી

- છ મહિનાથી પોલીસ અને એજન્સીઓની પીએફઆઇના નેતાઓની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર હતી

- ધરપકડોનો સરકારને હિંસક જવાબ આપવાનું કાવતરું ઘડાયાના અહેવાલો, દરોડા પૂર્વે અર્ધ સૈન્ય દળ તૈનાત કરાયું

નવી દિલ્હી : પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સામે ફરી દેશવ્યાપી સપાટો બોલાવવામાં આવ્યો છે. ગુજરાત સહિત આઠ રાજ્યોમાં પીએફઆઇના અનેક સ્થળો પર એજન્સી રાજ્યોની પોલીસ સાથે મળીને ત્રાટકી હતી, આ દરોડા દરમિયાન દેશભરમાંથી વધુ ૨૦૦ લોકોની અટકાયત-ધરપકડ કરવામાં આવી છે, અગાઉ ઇડી અને એનઆઇએ દ્વારા ૧૫ રાજ્યોમાં દરોડા પડાયા હતા અને ૧૦૦થી વધુ લોકોની અટકાયત કરાઇ હતી, તેથી અત્યાર સુધીમાં અટકાયતમાં લેવાયેલા લોકોની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી ગઇ છે.

હાલમાં જ ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના બેંક ખાતામાં ૧૨૦ કરોડ રૂપિયા જમા થયા હતા, જેનો ઉપયોગ દેશમાં હિંસા ભડકાવવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો. ઇડીના આ ખુલાસા બાદ હવે ફરી આઠ રાજ્યોમાં એજન્સીએ પોલીસને સાથે રાખીને દરોડા પાડયા છે. જે પણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓ પીએફઆઇના ગેરકાયદે કામો સાથે જોડાયેલા હોવાના અહેવાલો છે. તેમની હવે પોલીસ અને એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે જેમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અનેક શહેરોમાં દરોડા પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અર્ધ સૈન્ય દળને તૈનાત કરવામાં આવ્યું હતું.  

એજન્સીઓ અને પોલીસને દરોડા દરમિયાન એવા પુરાવા મળ્યા છે જેમાં પીએફઆઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના નેતાઓ, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના નેતાઓને નિશાન બનાવવાની યોજના ઘડી રહ્યું હતું. પીએફઆઇના નેતાઓની ધરપકડ કરી તેમને તિહાર જેલમાં રખાયા તેનાથી પીએફઆઇના કાર્યકર્તાઓ નારાજ હોવાના અહેવાલો છે. એક નોટ હાથ લાગી છે જેમાં દાવો કરાયો છે કે પીએફઆઇ સરકારની સામે હિંસક જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. જેના માટે 'બયાથીસ'નો રસ્તો અપનાવવાનું કાવતરુ ઘડાયું છે. આ એક અરબી શબ્દ છે જેનો અર્થ મૌત કા સૌદાગર અથવા ફિદાયીન થાય છે. જેમાં હિંસા ફેલાવનારા પોતાના આમિર માટે મરવા કે મારવાની કસમ લેતા હોય છે. 

તાજેતરના દરોડા દરમિયાન આ રાજ્યોમાં સપાટો બોલાવાયો

મહારાષ્ટ્ર અને આસામમાં પીએફઆઇના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત ૫૦ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાંથી ૫૭ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. દિલ્હીમાંથી ૩૦, મધ્ય પ્રદેશમાંથી ૨૧ અને ગુજરાતમાંથી ૧૦ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પૂણે અને મહારાષ્ટ્રમાંથી છ લોકોને અટકાયતમાં લેવાયા છે. કર્ણાટકમાં અનેક લોકોની ધરપકડ કરાઇ છે. એજન્સી અને પોલીસ દ્વારા બીજી વખત પડાયેલા દરોડામાં કુલ ૨૦૦ જેટલા લોકોની અટકાયત-ધરપકડ થઇ છે. 

એટીએસની મદદ લેવાઇ, દિલ્હીમાં અડધી રાત્રે ઓપરેશન 

ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના મોટા ભાગના રાજ્યોમાં આ વખતના દરોડા દરમિયાન પોલીસ કે એટીએસની મદદ લેવામાં આવી હતી, ઉત્તર પ્રદેશના એડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ૨૬ જિલ્લાઓમાં દરોડા પડાયા હતા, જેમાં એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. જ્યારે દિલ્હીમાં સ્પેશિયલ પોલીસ સેલ સક્રિય થયું હતું. દિલ્હીમાં મોડી રાત્રે એક વાગ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું હતું જે સવાર સુધી ચાલ્યું હતું. આ દરમિયાન અનેક પુરાવા મળી આવ્યા છે. 

અલકાયદા અને આઇએસ સાથે લિંકની તપાસ થશે

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા મુંબઇની કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અમે જે પણ લોકોની ધરપકડ કરી છે તેમની આતંકીઓ સાથે લિંક હોવાના પુરાવા મળ્યા છે. જે ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી પાંચ લોકો અલકાયદા અને આઇએસ જેવા આતંકી સંગઠનો સાથે લિંક ધરાવતા હોવાની શંકાના આધારે તેઓની વધુ પૂછપરછની માગણી કરી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ  કહ્યું હતું કે પીએફઆઇ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.