×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સરકારે કોરોના સંકટમાં અનાથ થયેલા બાળકોનાં કલ્યાણઅર્થે કરી મહત્વની ઘોષણા

ગાંધીનગર, 29 મે 2021 શનિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર એક કુદરતનો કહેર જ કહીં શકાય, રાજ્યમાં મોટી સંખ્યામાં કોરોનાનો ભોગ બનેલા પરિવારોએ તેમના નજીકનાં આપ્તજનો ગુમાવ્યા છે, હજારો બાળકો તેમના માતા-પિતાનાં કરૂણ મોતથી અનાથ બન્યા છે, હવે આવી સ્થિતીમાં તેમનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને દર મહિને 4000 રૂપિયા આપવા ઉપરાંત અનેક કલ્યાણકારી યોજનાની ઘોષણા કરી છે.

CM વિજય રૂપાણીની ઘોષણાની સંક્ષિપ્ત માહિતી આ પ્રમાણે છે

(1) 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ રૂ. 4૦૦૦ની સહાય અપાશે, પુખ્તવયનાં કે જેમનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. 6૦૦૦ની સહાય અપાશે.

(2) માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે અપાશે.

(3) વિદેશ અભ્યાસની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે

(4) માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવી નિરાધાર કન્યાઓને શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ- નિવાસી શાળાઓમાં પ્રવેશ અગ્રતા-હોસ્ટેલ ખર્ચ વગેરે, માતા-પિતા બંને ગુમાવેલા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ- મા કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર અગ્રતા ક્રમે મળશે.

(5) 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા- પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂ. 4,000 રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે આપશે.

(6) જે બાળકોનો 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને રૂ. 6,000ની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

(7) 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6,000ની સહાયનો લાભ મળશે.

(8) એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.

(9) રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે.

(10) એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.

(11) 14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.

(12) જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.

(13) અનાથ કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.

(14) કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે.

(15) આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.

(16) આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.

(17) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.

(18) મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે. રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે.