×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત વિધાનસભામાં સુધારા ઈમ્પેક્ટ બિલ સર્વાનુમતે પાસ થયું,જાણો શું છે જોગવાઈઓ


IMAGE- FACEBOOK

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2022, મંગળવાર

આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે સુધારા ઈમ્પેક્ટ બિલ રજુ કર્યું હતું. જેને ગૃહમાં સર્વાનું મતે પાસ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાંધકામ પરવાનગી સિવાયના બાંધકામના પ્રકાર અને તેનો વ્યાપ જાણવા કરાયલા સેમ્પલ સર્વેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તા મંડળો તેમજ નગરપાલીકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાન - બાંધકામો બી.યુ. પરવાનની વિનાના જણાયા હતા. આથી બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી. 

તેમણે ગૃહમાં કહ્યું હતું કે તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ.સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઇ, સુધારા ઈમ્પેકટ બિલ લાવવાની આવશ્કતા ઉભી થઇ હતી. જે અંગે તત્કાલીન સમયે વિઘાનસભા સત્ર કાર્યરત ન હોઇ 16 ઓક્ટોબર 2022ના રોજ રાજયપાલની મંજૂરી મેળવી તા.17 ઓક્ટોબર 2022ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગર ના બાંધકામોને દુર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના હોવાથી તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે તેમ હોઇ, સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ પેદા થવાની સંભાવના હતી, જે ઇચ્છનિય બાબત નથી. 

આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું અટકાવવા રાજય સરકાર માટે સમગ્ર રાજયના શહેરોમાં આવા અનઅધિકૃત મકાનો અને બાંધકામોને નિયમિત કરવા માટે યોગ્ય કાયદો ઘડી, કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરી, આવા બાંધકામોને નિયમિત કરવા અનિવાર્ય બન્યા હતા વિઘેયકની મહત્વની જોગવાઇઓ અંગે વિગતો આપતા કહ્યું હતું કે રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન  માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત ૫૦% માટે ફી લઈ), કોમન પ્લોટ સેનિટરી સુવિધા ફી લઈ નિયમબબદ્ધ થઇ શકશે. 

અરજીની તારીખથી છ માસમાં અનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબદ્વ કરવા અંગે હુકમ અથવા નિયમબદ્વ કરવા માટેનો હુકમ કરવાનો  રહેશે. જ્યારે ફી ભરવાની સમય મર્યાદા બે માસની રહેશે. સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યકિત, આ નિર્ણય મળ્યાના ૬૦ દિવસમાં અપીલ અધિકારીશ્રી સમક્ષ અપીલ કરી શકશે. અપીલ અધિકારીશ્રીને જરૂર લાગે તો બીજા ૬૦ દિવસ અપીલ કરવા માટે આપી શકશે. તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનુ રહેશે. ખોટી માહિતી રજૂ કરનાર અરજદાર સામે ફોજદારી કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં. અનધિકૃત બાંધકામ નિયમબદ્વ કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાથી સંબઘિત માલીક કે કબજેદાર, એન્જીનીયર કે આર્કીટેકટ તેમની કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં.

અનઅધિકૃત બાંધકામ નિયમબદ્વ કરતાં એકત્ર થતી વસુલાતની રકમ “આંતરમાળખાકીય વિકાસ ભંડોળ”તરીકે આંતરમાળખાકીય સવલતો વધુ સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા,  પાર્કીગની  જોગવાઇ કરવા  તેમજ ૫ર્યાવરણ સુઘારણા માટે કરાશે. જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. ૧.૦ થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉ૫યોગ સિવાયના (દા.ત. વાણિજય, શૈક્ષણિક, આરોગ્ય, ઔઘોગિક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા ૫૦ % વઘારે FSI થતી હોય તેવા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી. વઘુમાં પ્લોટની હદથી બહાર નિકળતા પ્રોજેકશનવાળા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ આ અઘિનિયમ હેઠળ નિયમબદ્ધ થઇ શકશે નહી. 

વિધેયકની મહત્વની જોગવાઇઓ:

રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે
વટહુકમની તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન  માલિક-કબજેદારોએ e-nagarપોર્ટલ પર અરજી કરવાની રહેશે
ફી ભરવા માટે બે માસની સમયમર્યાદા રહેશે
સત્તામંડળના નિર્ણયથી નારાજ અરજદાર નિર્ણય મળ્યાના ૬૦ દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે
બાંધકામના આધાર માટે નિયત કરેલા દસ્તાવેજોમાં ખોટી માહિતી રજૂ કરનાર સામે ફોજદારી કાયદા મુજબ કાર્યવાહી કરાશે
નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં