×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાનું સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થવાનું અનુમાન

અમદાવાદ, 5 ડિસેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં કુલ 63 ટકા મતદાન થયું છે. જે 2017ની ચૂંટણી કરતાં પાંચ ટકા જેટલું ઓછું છે. 2017માં પ્રથમ તબક્કામાં 68.48 ટકા મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કાની વાત કરીએ તો 2017માં 68 ટકા મતદાન નોંધાયું હતું. જે 2022માં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 60 ટકાથી વધુ મતદાન થયું હોવાનું અનુમાન છે. 2022માં બીજા તબક્કામાં પણ મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધારે અંદાજે 68 ટકા સાબરકાંઠામાં તો સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે.

બીજા તબક્કામાં 8 મંત્રીઓનું ભાવી ઈવીએમમાં સીલ થયુ
બીજા તબક્કા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના સુખરામ રાઠવા, જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ભરતસિંહ વાઘેલા તેમજ ભીમાભાઇ ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ માટે મતદાન થયું હતો. તો પ્રથમ તબક્કાના કેટલાક અગ્રણી ઉમેદવારોમાં ઇસુદાન ગઢવી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઇટાલિયાનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું
બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું છે.  આ બંને તબક્કામાં રાજ્યના 11 જેટલા ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં પણ એક પણ મત નહોતો પડ્યો. જેમાં ખાસ કરીને મહેસાણા, જામજોધપુર, ખેરાલુ, આહવા, ડેડિયાપાડા, સિંગલખાંચ, પથરડા. કેસર અને મહુજા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 

મોદીએ જેતપુરમાં સભા કરી પણ 7 ટકા મતદાન ઘટ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ જ પાટીદારોના એપીસેન્ટર ગણાતા જેતપુરની બાજુમાં જામકંડોરણામાંથી ફૂંક્યું હતું. આ જંગી સભા સ્થળે એક લાખ લોકોનું ભોજન રાખવામાં આવ્યું હતું. પાટીદારોના એપીસેન્ટર સમા જેતપુરમાં જ સૌથી ઓછું મતદાન આ વખતે થયું છે. ગયા વખતે 2017માં 71 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે 63.22 ટકા જ મતદાન થયું છે, એટલે 7.22 ટકા મતદાન ઓછું થયું છે. ઓછું મતદાન પરિણામમાં મેજર અપસેટ સર્જી શકે. માત્ર જેતપુર જ નહીં, અમરેલી, ધોરાજી, મોરબી જામનગર સાઉથ, જામનગર ગ્રામ્ય અને સુરતમાં વરાછા, સુરત ઉત્તર, કતારગામ સહિતના વિસ્તારોમાં 2થી 6 ટકા સુધી ઓછું મતદાન થયું છે.

અમદાવાદમાં છેલ્લે-છેલ્લે મતદારો દોડ્યા
અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની આજે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂરું થયું હતું અને જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. શહેરમાં કેટલું મતદાન થયું છે તેના આંકડા હજુ જાહેર કરાયા નથી. પરંતુ 3 વાગ્યા સુધી 44.67 ટકા છેલ્લે નોંધાયું હતું. એટલે 60 ટકાની આસપાસ શહેર અને જિલ્લાનું મતદાન નોધાવાની શક્યતા છે.

વિરમગામમાં બોગસ મતદાન થયું હોવાના અહેવાલ આવ્યા સામે
વિરમગામમાં બોસ વોટિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.  ચૂંટણી પ્રક્રિયા દરમિયાન  મહિલા મતદારનું વોટિંગ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો હતો. વિરમગામની ધર્મ જીવન વિદ્યા નિકેતન શાળામાં બનાવાયેલા બૂથમાં આ ઘટના બની  હોવાનુંસામે આવ્યું હતું.   ચૂંટણી અધિકરીએ મહિલાને આ અંગે જાણ કરતા મતદાતા મહિલાએ બોગસ વોટિંગનો  આરોપ મૂકીને વિરોધ નોંધાવ્યો હતો.