×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત-મહારાષ્ટ્ર-બિહારમાં સૌથી વધારે કુપોષિત બાળકો, RTIમાં સરકારના જવાબથી ખુલાસો


- 14 ઓક્ટોબર, 2021 સુધી દેશમાં 17.76 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત અને 15.46 લાખ બાળકો મધ્યમ હદે કુપોષિત નોંધાયા

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર, 2021, સોમવાર

ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 લાખ કરતા પણ વધારે છે. તેમાંથી અડધા કરતા પણ વધારે ગંભીર રીતે કુપોષિતની શ્રેણીમાં આવે છે. જે રાજ્યોમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધારે હોય તેમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાત સૌથી ઉપર છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં આ આંકડાઓ આપ્યા છે. 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી કે, કોવિડ મહામારીના કારણે ગરીબ લોકોમાં સ્વાસ્થ્ય અને પોષણ સંકટ વકરી શકે છે. મંત્રાલયના કહેવા પ્રમાણે 14 ઓક્ટોબર, 2021 સુધી દેશમાં 17.76 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત અને 15.46 લાખ બાળકો મધ્યમ હદે કુપોષિત નોંધાયા.  

33.23 લાખ કુપોષિત બાળકોનો આ આંકડો દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોષણ ટ્રેકર એપમાંથી લેવામાં આવ્યો છે. ગત વર્ષના આંકડાઓની સરખામણીએ નવેમ્બર 2020 અને 14 ઓક્ટોબર, 2021ની વચ્ચે ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યામાં 91 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ સંખ્યા 9.27 લાખથી વધીને 17.76 લાખ થઈ ગઈ છે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધારે 6.16 લાખ કુપોષિત બાળકો નોંધાયા છે અને 4.75 લાખ કુપોષિત બાળકો સાથે બિહાર બીજા નંબરે છે. જ્યારે 3.20 લાખ કુપોષિત બાળકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.