×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત અને હિમાચલની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપે કેટલો ખર્ચ કર્યો ? જાણો રિપોર્ટ

નવી દિલ્હી, તા.7 જૂન-2023, બુધવાર

ગત વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 130 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં સંપૂર્ણ બહુમતી મેળવી સરકાર બનાવી હતી, જો કે ગુજરાતમાં તેની શરમજમક હાર થઈ હતી. જ્યારે ભાજપે તેના ખર્ચ અહેવાલમાં કહ્યું છે કે, તેણે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 49 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા રજુ કરાયેલ ચૂંટણી ખર્ચના રિપોર્ટ અનુસાર, બંને પક્ષોએ તેમના ઉમેદવાર, જાહેરાત અને પ્રચાર તેમજ સ્ટાર પ્રચારકોની યાત્રા પાછળ ખર્ચ કર્યા હતા.

કોંગ્રેસે હિમાચલમાં 27.2 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

મળતા અહેવાલો મુજબ કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં 27.2 કરોડ રૂપિયા અને ગુજરાતમાં 103.62 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. જ્યારે ભાજપે હિમાચલ પ્રદેશમાં 49.69 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. જોકે ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો તે અંગેનો રિપોર્ટ ચૂંટણી પંચે હજુ સુધી સાર્વજનિક કર્યો નથી.

ચૂંટણી પરિણામોમાં ગુજરાતમાં ભાજપ, તો હિમાચલમાં કોંગ્રેસ છવાયું

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગત વર્ષે 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપે રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવી રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે કોંગ્રેસને વધુ નુકસાન વેઠવું પડ્યું હતું. આ પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી, જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ 77 પરથી 17 પર આવી ગઈ... એટલે કે કોંગ્રેસને 60 બેઠકોનું નુકસાન થયું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ પણ ખુબ જ ખરાબ રહી હતી. આપના માત્ર 5 ઉમેદવારો જ જીત્યા હતા.

જ્યારે હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં 5 વર્ષ બાદ સરકાર બદલવાની પરંપરા છે. ગત વર્ષે 8મી ડિસેમ્બરે આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસે 40 બેઠકો પર જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જ્યારે ભાજપને માત્ર 25 બેઠકો જ મળી હતી. ત્રણ બેઠકો પર અપક્ષોનો વિજય થયો હતો.