×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: સિનેમા, શાળા-કોલેજ, હોટલ-રેસ્ટોરન્ટના બોર્ડ ગુજરાતીમાં રાખવા ફરજિયાત


અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2022 શનિવાર

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે. 

21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, ત્યારે એ પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે.

ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ સરકારના આ નિર્ણય વિશે જણાવ્યું કે, સાબિત કરવા જેવો પ્રયાસ છે. યોગાનુયોગ બે દિવસ બાદ માતૃભાષા દિવસ છે. ગુજરાતી ભાષાના સંવર્ધનના ગાંધીનગરમાં કાર્યક્રમો રાખ્યા છે. તેના બે દિવસ પહેલા આ પરિપત્ર બહાર પાડ્યો તે મોટો સંકેત છે કે, આપણે ભાષાનુ ગૌરવ જાળવવા સાર્વત્રિક પ્રયાસ કરવા જોઈએ. ભાષાનુ ગૌરવ તેમાં મહત્વનુ છે.

અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ.

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેનો અમલ 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં થશે. 

કયા મહાનગરોમાં ગુજરાતી ફરજીયાત?  

અમદાવાદ

વડોદરા

રાજકોટ

સુરત

ભાવનગર, 

જામનગર

જૂનાગઢ

ગાંધીનગર

કયા સ્થળો પર ગુજરાતી ફરજિયાત?

સિનેમાગૃહ

નાટ્યગૃહ

બેન્કવેટ હોલ

શાળા-કોલેજ

સુપર માર્કેટ

શોપિંગ મોલ્સ

હોસ્પિટલ

હોટેલ-રેસ્ટોરન્ટ-કેફે

બેંક

વાંચનાલય

બાગ-બગીચા