×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં 130 સ્થળે ITના દરોડાનો ધમધમાટ


- સમગ્ર રાજ્યમાંથી 500થી વધુ અધિકારીઓને બોલાવી વહેલી સવારે ટીમો ત્રાટકી

- ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગનું કામ કરનારાઓ આવકવેરા ખાતાની ઝપટમાં: મની લૉન્ડરિંગની કુલ રકમ અબજોનો આંકડો વટાવે તેવી શક્યતા

- અમદાવાદમાં  ગોલ્ડમાઈન સિક્યોરિટીઝ અને સિલ્વર ઓક કૉલેજ સહિતના 90 સ્થળે કાર્યવાહી

- મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટ્સને પણ આવરી લેવામાં આવ્યા

- રાજસ્થાનના 54 અને મધ્ય પ્રદેશના એક સહિત દેશભરમાં 170 સ્થળે દરોડા

અમદાવાદ : રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓ અને તેમને ડોનેશન આપનારા વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓને અમદાવાદના ૯૦ લોકેશન સહિત અમદાવાદના ૯૦ સહિત ગુજરાતના ૧૩૦ જેટલા સ્થળો પર આવકવેરા ખાતાઓ આજે સવારથી દરોડા પાડયા છે. આ દરોડામાં ગુજરાતમાંથી રજિસ્ટર્ડ થયેલી પાંચ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટી અને તેમને માટે ડોનેશન લઈને મની લૉન્ડરિંગ કરવામા સહયોગ આપનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યક્તિગત કરદાતાઓનો પણ સમાવેશ થાય છે.

એન્ટ્રી પ્રોવાઈડર્સ તથા  અમદાવાદની એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ સિલ્વર ઓક સાથે સંકળાયેલા શીતલ અગ્રવાલ તથા તેમની સંસ્થાના અન્ય ત્રણ ડિરેક્ટર્સને પણ કવર કરવામાંઆવ્યા હોવાની શક્યતાને નકારી શકાતી નથી. તેના છાંટા રાજસ્થાન હોસ્પિટલ પર પણ ઊડી શકે છે. બીજીતરફ શેર્સ અને મ્યુચ્યઅલ ફંડ સહિતના ઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલી ગોલ્ડમાઈન સિક્યોરિટીઝના કિરીટ વાસ્સા, રમેશ મહેતા, જયશ્રી રમેશ પટેલ, સમીર પંકજભાઈ ગાંધીનો સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમની ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસમાં પણ આવકવેરા ખાતાએ સર્ચ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનમાં ૫૪ અને મધ્ય પ્રદેશમાં એક સ્થળે દરોડા પડવામાં આવ્યા હતા.

દરોડા હેઠળ આવરી લેવામાં આવતી હોવાનું મનાતી પાંચ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓમાં શ્રી ભારત વિકાસ પક્ષ, ગરવી ગુજરાત, જન સેવા પાર્ટી, ગુજરાત યુવા વિકાસ પાર્ટી, મહાગુજરાત જનતા પાર્ટી, યુવા જાગૃતિ દળનો સમાવેશ થાય છે. આ પાર્ટીઓને ડોનેશન આપીને અબજો રૂપિયાનું મની લૉન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે દરોડા દરમિયાન આ મની લૉન્ડરિંગને લગતા દસ્તાવેજો પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ઇલેક્શન કમિશન પાસેથી પણ તેને લગતા આધારપુરાવાઓ હાથ લાગ્યા હોવાથી અબજોનું મની લૉન્ડરિંગ પકડાવાની શક્યતા રહેલી છે.

મની લૉન્ડરિંગની મોડસ ઓપરેન્ડિની વિગતો આપતા જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે દાતાઓ પાસેથી ચેકથી ૧ કરોડ રૂપિયા લઈને તેમાંથી ૧૦થી ૧૫ લાખ રાખી લઈને બાકીના રૂ. ૮૫થી ૯૦ લાખ રોકડામાં પરત આપી દઈને મની લૉન્ડરિંગનું કામ કરતાં રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ રાજકીય પક્ષો કરતા હતા. પરંતુ ટ્રસ્ટે તે રૂપિયા ખર્ચ કર્યા હોવાનું દર્શાવતા બિલો બનાવીને દેખાડી દેવામાં આવતા હતા.

પરિણામે દાતાને રૂા. ૧ કરોડ ડોનેશન તરીકે નફામાં મજરે મળી જતાં હતા. તેની સામે તેમને રૂા. ૮૫ લાખ રોકડમાં પરત મળી જતાં હતા. આ રીતે અબજોના મની લોન્ડરિંગના વહેવારો પકડાવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે. જોકે ઇલેક્શન કમિશને નિર્દેશ આપ્યા પછીય આગામી દિવસોમં આવકવેરા ખાતું કેટલા પુરાવાઓ એકત્રિત કરવામા સફળ થાય છે તેના પર જ આ દરોડામાં કેટલી જંગી રકમના વહેવારો પકડાય છે તેનો મદાર રહેલો છે.

આ દરોડા આવરી લેવામાં આવેલી પાર્ટીઓમાં અમદાવાદના ધરણીધર વિસ્તારમાં આવેલી ગોલ્ડમાઈન સિક્યોરિટીઝ અને સિલ્વર ઓક કૉલેજના પ્રમોટર શીતલ અગ્રવાલનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે. માન્યતા ન ધરાવતા પરંતુ ઇલેક્શન કમિશનમાં રજિસ્ટ્રેશન કરાવી બેઠેલા રાજકીય પક્ષોને ડોનેશન લાવી આપીને મની લૉન્ડરિંગની પ્રવૃત્તિને વેગ આપી રહેલા ગુજરાતના ખાસ્સા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આ પક્ષો ડોનેશનના ચેક લઈને ત્યારબાદ પોતાના કમિશન કાપી લઈને બાકીની રકમ રોકડેથી દાતાઓને પરત કરી દેતા હતા. આ રીતે તેઓ મની લૉન્ડરિંગ કરીને ટેક્સની ચોરી કરવામાં પણ સાથ આપતા હતા. ગુજરાત ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણાના નાના નાના રાજકીય પક્ષોને અને તેમને માટે ડૉનેશન લાવીને મની લૉન્ડરિંગ કરનારાઓને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગત જૂન મહિનામાં માન્યતા ન ધરાવતી, પણ રજિસ્ટ્રેશન ધરાવતા ૧૧૧ રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન રદ કરી દેવાના કરેલા નિર્ણય બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે. આ રાજકીય પક્ષો દ્વારા ગંભીર નાણાંકીય અનુચિતતા આચરવામાં આવી હોવાનું જણાતા તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ પણ ચૂંટણી પંચે કરી હતી. ગત ૨૫મી મેએ ચૂંટણી પંચે ૮૭ જેટલા માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોના નામ ચૂંટણી પંચે કમી કરી દીધા હતા.

આમ કુલ ૧૯૮ રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાટિના રજિસ્ટ્રેશન ચૂંટણી પંચે રદ કર્યા છે.ર્ એક અંદાાજ મુજબ ભારતભરના રાજ્યોમાંથી ૨૧૦૦ જેટલા રાજકીય પક્ષો માન્યતા ન ધરાવતા પક્ષ તરીકે ઇલેક્શન કમિશનમાં રજિસ્ટર થયેલા છે. આ પક્ષો સામે કાયદેસર પગલાં લેવાના થતાં હોવાનો નિર્દેશ પણ ચૂંટણી પંચે જ આપ્યો હતો. આ પક્ષોએ ડોનેશનને લગતા નિયમોનો ભંગ તેમણે કર્યો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.

રાજકીય ડાનેશન લઈને તેમાંથી કમિશન આપીને બાકી રકમ રોકડેથી પરત કરી દઈને મની લૉન્ડરિંગ કરનારાઓ તેમના સરનામે મોજૂદ ન હોવાના કિસ્સાઓ બહાર આવતા તેમની પ્રવૃત્તિ વધુ શંકાના દાયરામાં આવી હતી. તેમને આપવામાં આવતા નાણાંકીય ભંડોળની વિગતો પણ તેઓ આવકવેરા ખાતામાં દર્શાવતા નહોતા. તેમ જ તેમના સરનામા અને સંસ્થાના હોદ્દેદારોના નામ પણ અપડેટ પણ કરતાં નહોતા. તેમને પાઠવવામાં આવેલા પત્રો અને નોટિસો પણ ડિલીવર થયા વિના પરત આવ્યા હતા. તેથી આવકવેરા ખાતાએ તેમને મળવાપાત્ર લાભો પાછા ખેંચી લેવાના પગલાં પણ લીધા હતા.

તેમને નોટિસ પાઠવ્યા બાદ પ્રતિભાવ ન મળતા રજિસ્ટ્રેશન કેન્સલ કરવાના પગલાં લીધા હોય તેમને તેમના તરફથી કોઈ રજૂઆત કરવી હોય તો આવકવેરા ખાતાએ તેમને ૩૦ દિવસનો સમય પણ તેમને આપ્યો હતો. આ ગાળામાં તેમને તેમના અસ્તિત્વના પુરાવાઓ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કેન્દ્રના નાણાં ખાતાને સંબંધિત રજિસ્ટર્ડ અનઓર્ગેનાઈ પોલિટિકલ પાર્ટીઓ સામે જરૂરી કાનૂની પગલાં લેવાની સૂચના આપી હતી. તેમાંથી ત્રણ પાર્ટીઓએ ગંભીર નાણાંકીય ગેરરીતિઓ આચરી હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ત્યારબાદ આ રિપોર્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને મોકલવામાં આવ્યો હતો.

દરોડાની માહિતી લીક થઈ ગઈ?

રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓ અને તેની સાથે સંકળાયેલા દાતાઓ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર દરોડા પડવાના હોવાની વાત વડોદરાથી અધિકારીઓનીટીમ નીકળી ત્યારે જ લીક થઈ ગઈ હોવાનું કહેવાય છે. તેથી ઘણાં લોકો આજે સવારથી જ તેમની ઓફિસે પહોંચ્યા જ નહોતા. આવકવેરા કચેરીના અધિકારીઓને સલામતી માટે પોલીસની મોટી ફોજની પણ સેવા લેવામાં આવી હતી.