×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં સતત 7મી વખત ભગવો લહેરાશે હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર


- એક્ઝિટ પોલ : ગુજરાતમાં ભાજપને 110થી વધુ બેઠકોનું અનુમાન

- ગુજરાતમાં કોંગ્રેસને 30થી 60 બેઠક મળવાની શક્યતા, આપ ડબલ ફિગર પર પણ પહોંચી નહીં શકે : એક્ઝિટ પોલનું તારણ

- હિમાચલમાં ભાજપને 35 જ્યારે કોંગ્રેસને 30 જેટલી અને આપને શુન્ય બેઠક, અન્યોને ત્રણથી ચાર બેઠકનો અંદાજો

નવી દિલ્હી : ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, જેને પગલે વિવિધ સરવે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. આ એક્ઝિટ પોલ ગુજરાત, હિમાચલ પ્રદેશને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં દાવો છે કે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે.

ગુજરાતના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૧૦થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને ૪૦થી ૫૦ બેઠકો મળવાનું અનુમાન છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીને એકથી ૧૦ જેટલી બેઠકો મળશે તેવો દાવો એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. અન્ય અપક્ષ ઉમેદવારો પણ ચારથી પાંચ બેઠકો જીતી શકે છે. 

જોકે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપને માત્ર થોડી જ બેઠકો વધુ મળશે તેવો અંદાજ આ એક્ઝિટ પોલમાં આપવામાં આવ્યો છે. જેમ કે એક્ઝિટ પોલના દાવા મુજબ હિમાચલમાં ભાજપને ૩૦થી ૩૫ જ્યારે કોંગ્રેસને ૩૦ જેટલી અને આમ આદમી પાર્ટીને શુન્ય બેઠક મળી શકે છે. અન્યોના ફાળે ચારથી પાંચ બેઠક જઇ શકે છે. 

આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાના દાવા મુજબ ભાજપને ૧૨૯થી ૧૫૧ બેઠક મળી શકે છે. જ્યારે ઝીન્યૂઝ-બાર્કના સરવે મુજબ ભાજપને ૧૧૦થી ૧૨૫ બેઠક મળી શકે છે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં ૧૧૦થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં ૧૬થી ૩૦ જ બેઠક મળવાનો દાવો આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાએ કર્યો છે અને આપને ૯થી ૧૨ બેઠક આપી છે. ઝીન્યૂઝ-બાર્કના દાવા મુજબ કોંગ્રેસને ૪૫થી ૬૦ અને આપને ૧થી ૫ બેઠક મળવાનો દાવો કરાયો છે.

દિલ્હી મ્યૂનિ.માં આપની જીત નિશ્ચિત, કાલે પરીણામો

દિલ્હીમાં મ્યૂનિ. કોર્પોરેશનની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીની જીત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની હાર અને આપની જીતનો દાવો કરવામાં આવ્યો છે. 

દિલ્હી મ્યૂનિ.માં કુલ ૨૫૦ વોર્ડ છે. જેમાં આમ આદમી પાર્ટીને ૧૫૦થી ૧૭૫ વોર્ડ, ભાજપને ૭૦થી ૯૨ જ્યારે કોંગ્રેસને ૪થી ૭ વોર્ડ મળવાનો દાવો ન્યૂઝ-એક્સના એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીને ૧૩૦થી વધુ વોર્ડ પર જીતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેથી દિલ્હીના એમડીસીની ચૂંટણીમાં ભાજપને મોટુ નુકસાન થવાની શક્યતાઓ છે. આ ચૂંટણીના પરીણામો સાત તારીખે જાહેર કરવામાં આવશે.