×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે લીલીઝંડી


- વિધાનસભાની ચૂંટણી પહેલા કમિટી રચવાનો મહત્વનો નિર્ણય

- સુપ્રીમ કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચનારી સમિતિ રીપોર્ટ આપે ત્યારબાદ નિર્ણય લેવાશે

- યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય માત્ર સંસદ દ્વારા જ લઇ શકાય, ગુજરાતની ભાજપ સરકાર લોકોને મૂર્ખ ન બનાવે : કોંગ્રેસ

ગાંધીનગર : કેન્દ્રની સરકારે દેશના તમામ નાગરિકોને સમાન હક્ક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાના કરેલા નિર્ણયના અનુસંધાને ગુજરાત સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. એટલે કે ગુજરાતમાં ટૂંકસમયમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ શરૂ થઇ શકે છે.

રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કોમન સિવિલ કોડ માટે કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. 

આ બેઠકમાં કેબિનેટના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને કોમન સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર આપ્યો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ કોડના કારણે જ્ઞાાતિ, જાતિ કે ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે. સામાજીક સદભાવના વધશે. 

મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે.

તેમણે કહ્યું કે જમીન, સંપત્તિ, વારસાઇ, દાન, લગ્ન, છૂટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતના બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સમાનતા લાવશે.  ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં અને ત્યારપછી ભાજપની સરકારો છે તે રાજ્યોમાં કોમન સિવિલ કોડની અમલીકરણના પ્રશ્ન પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ધ્યાન અપાયું છે. ગુજરાત પણ હવે તે દિશામાં આગળ વધી રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર સંસદ દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ લઇ શકાય, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લઇ શકાય ના તો તેનો અમલ થઇ શકે. ગુજરાતની ભાજપ સરકાર લોકોને મોંઘવારી, બેરોજગારીથી ધ્યાન ભટકાવીને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી આ મામલો ઉછાળવામાં આવ્યો છે.