×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં બે કેસ સાથે ડેલ્ટા પ્લસનો પગપેસારો, ૧૧ રાજ્યોમાં ૫૦ કેસ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૫

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટવાની સાથે કેસમાં આવેલા ઘટાડાથી સરકારને મળેલી રાહત અલ્પજીવી નિવડી છે. દેશમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે બે કેસ સાથે ગુજરાતમાં પગપેસરો કર્યો છે અને ૧૧ રાજ્યોમાં તેના ૫૦ કેસ નોંધાતા સરકાર સફાળી જાગી ઊઠી છે. બીજીબાજુ દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. વધુમાં દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક-એક દર્દીના મોત થયા છે. ડેલ્ટા પ્લસ સાથે કોરોનાના કેસમાં વધારો થવાથી દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ રહી હોવાની નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૫,૦૦૦ સેમ્પલ્સમાંથી કોરોના વાઈરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૪૮ કેસ મળી આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૦ કેસ નોંધાયા છે. ઉપરાંત તામિલનાડુમાં નવ, મધ્ય પ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં એક-એક કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે મધ્ય પ્રદેશમાં એક દર્દીનું મોત થયું હતું. હવે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ૮૦ વર્ષનાં એક વૃદ્ધાંનું મોત થયું છે. સંગમેશ્વર નિવાસી વૃદ્ધાંને કેટલાક દિવસ પહેલાં મુંબઈમાં દાખલ કરાયાં હતાં. જોકે, ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.

કેન્દ્ર સરકારે કહ્યું કે, ભારતમાં કોરોનાના ૯૦ ટકા કેસ બી.૧.૬૧૭.૨ (ડેલ્ટા) વેરિઅન્ટના છે. દેશમાં કોરોના વાઈરસના જીનોમ સિક્વન્સિંગમાં સામેલ નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (એનસીડીસી)ના નિર્દેશક ડૉ. સુજિત સિંહે કહ્યું કે આઠ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ કેસ મળ્યા છે. સિંહે કહ્યું કે, ભારતમાં ડેલ્ટા પ્લસ મ્યુટેશનના કેસ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે. છેલ્લા ત્રણ મહિનામાં ૧૨ જિલ્લામાં ૫૦ કેસ નોંધાયા છે. કોઈપણ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો નથી. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ સાથે વધારાનું મ્યુટેશન બી.૧.૬૧૭.૨.૧ દર્શાવે છે. 

'કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસ ૩૫ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૭૪ જિલ્લાઓમાં જોવા મળ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ અને ત્યાર પછી દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.' સરકારે ઉમેર્યું કે દેશમાં કોરોનાના ડેલ્ટા કેસનું પ્રમાણ મે ૨૦૨૧માં ૧૦.૩૧ ટકાથી વધીને જૂન ૨૦ સુધીમાં ૫૧ ટકા થઈ ગયું છે. જોકે, સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશમાં હાલ રસીકરણ અભિયાન હેઠળ અપાઈ રહેલી બંને રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા જેવા કોરોના વેરિઅન્ટ સામે અસરકારક છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર કોરોનાની બંને રસી કેટલી અસરકારક છે તેના પરીક્ષણો ચાલુ છે. અમને લેબોરેટરીના પરીણામોની રાહ જોઈ રહ્યા છીએ, જે ૭થી ૧૦ દિવસમાં આવી જશે. દેશમાં કોરોનાની બીજી લહેર હજુ પૂરી થઈ નથી. ૭૫ જિલ્લામાં હજી પણ કોરોનાના કેસ ૧૦ ટકાથી વધુ છે અને ૯૨ જિલ્લામાં તે ૫થી ૧૦ ટકા વચ્ચે છે.

દરમિયાન ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૫૦ હજારને વટાવી ગયા હતા. શુક્રવારે કોરોનાના ૫૧,૬૬૭ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૩.૦૧ કરોડને પાર થઈ ગયા હતા જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને ૩ ટકા થયો હતો. શુક્રવારે કોરોનાથી ૧,૩૨૯નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૩.૯૩ લાખને પાર થઈ ગયો હતો. કોરોનાના એક્ટિવ કેસ વધુ ઘટીને ૬.૧૨ લાખ થયા હતા, જે કુલ કેસના ૨.૦૩ ટકા છે. એક્ટિવ કેસમાં એક દિવસમાં ૧૪,૧૮૯નો ઘટાડો થયો છે.

દેશમાં સતત ૪૩મા દિવસે કોરોનાના દૈનિક કેસ કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે.અત્યાર સુધીમાં કુલ ૨.૯૧ કરોડથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દેશનો રાષ્ટ્રીય રિકવરી રેટ ૯૬.૬૬ ટકા થયો છે જ્યારે સાપ્તાહિક કેસનો પોઝિટિવિટી રેટ ૩ ટકા ઘટયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૯૮ ટકા નોંધાયો હતો. તે સતત ૧૮ દિવસથી પાંચ ટકાથી ઓછો છે. ભારતમાં એક દિવસમાં કોરોનાની રસીના ૬૦.૭૩ લાખ ડોઝ અપાયા છે. આ સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણના ભાગરૂપે અત્યાર સુધીમાં ૩૦.૭૯ કરોડ ડોઝ અપાયા છે.

સુરત અને વડોદરામાં ડેલ્ટાના કેસ 

અમદાવાદ : કોરોનાની ગતિ માંડ મંદ પડી છે ત્યારે ગુજરાતમાં ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઇ છે. કોરોનાના વધુ એક નવા વાયરસના આગમનથી ગુજરાતીઓ ચિંતાતુર બન્યાં છે.કેન્દ્રીય આરોગ્ય વિભાગેગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ હોવાનુ જણાવ્યુ છે. રાજ્ય આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, કોરોનાના પોઝીટીવ કેસોનુ જીનોમ સિકવન્સ કરતાં ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનુ જાણ થઇ છે. 

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, એપ્રિલ માસમાં સુરતમાં એક 27 વર્ષિય યુવક કોરોનાથી સંક્રમિત થયો હતો જેનુ સેમ્પલ પૂણે  સિૃથત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલી અપાયા હતા. જિનોમ સિકવન્સના રિપોર્ટમાં જાણવા મળ્યુ કે,આ દર્દીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જણાયા હતાં. જોકે, અત્યારે દર્દીની તબિયત સિૃથર છે અને કોઇ લક્ષણ નથી.

 આ ઉપરાંત વડોદરામાં એક 38 વર્ષિય મહિલા કે જે મહારાષ્ટ્રના જલગાંવમાં કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. તેઓના સેમ્પલ પણ પૂણે લેબમાં મોકલાયા હતાં. જિનોમ સિકવન્સનો રિપોર્ટ આવતાં મહિલા દર્દી પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત હોવાનુ જણાયુ હતુ.  મે માસમાં મહિલા દર્દી ગુજરાત પરત ફર્યા હતાં. હાલ દર્દીને કોઇ તકલીફ નથી. ડેલ્ટા પ્લસ વેરિયન્ટને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. સુરત અને વડોદરા માં આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી છે.