×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં પ્રચારનો 'સુપર સન્ડે': PM મોદી, કેજરીવાલ અને ખડગેની તાબડતોડ રેલીઓ


- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે 

અમદાવાદ, તા. 27 નવેમ્બર 2022, રવિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસે પોતાના દિગ્ગજ રાજનેતાઓને મેદાનમાં પ્રચારની જવાબદારી સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ 7 રેલીઓને સંબોધિત કરશે.

પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં 7 રેલીઓ કરશે. આજે 27 નવેમ્બરે PM સાંજે 6:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે જ્યાંથી તેમનો કાફલો લગભગ 28 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ દરમિયાન અલગ-અલગ જગ્યાએ પીએમના સ્વાગત સ્થળો બનાવવામાં આવ્યા છે. બીજી તરફ PM મોદી સાંજે 7:30 વાગ્યે ગોપીનમાં રેલીને સંબોધિત કરશે.


શનિવારે 26 નવેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં અને ભાજપના શાસનમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. સાથે જ જારી કરાયેલા સંકલ્પ પત્રમાં ભાજપે 5 વર્ષમાં 20 લાખ નોકરીઓ આપવાની વાત કરી છે. તેમજ વિદ્યાર્થિનીઓને ઇલેક્ટ્રિક સ્કુટી આપવાનું વચન આપ્યું હતું. કૃષિના વિકાસ માટે 10,000 કરોડ રૂપિયા ખર્ચવાની વાત થઈ હતી.

જામનગરમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે CM કેજરીવાલ સવારે 11:00 વાગ્યે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ જામનગરમાં રોડ શો કરશે.


નર્મદામાં ખડગે બે રેલીઓને સંબોધિત કરશે

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી ગુજરાત પ્રવાસ પર છે. ખડગે આજે નર્મદા જિલ્લામાં બે રેલીઓને સંબોધશે. આ દરમિયાન ખડગે સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ હાજર રહેશે.