×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાઓ અંતે રદ


- કેન્દ્રના પગલે ચાલતી ગુજરાત સરકાર ફરી વહિવટી કુશળતામાં ફેલ : સરકારનો યુ ટર્ન 

- 12 સાયન્સ, સા.પ્રવાહ અને ધો.10ના કુલ 4 લાખથી વધુ  રીપિટરોની પરીક્ષા લેવી કે નહી તે મુદ્દે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી : રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા 

- ઈજનેરી પ્રવેશ માટે ગુજકેટ લેવી જ પડે તેમ છે પરંતુ હવે ગુજરાત સરકાર જેઈઈ-નીટની જાહેરાત બાદ જાહેરાત કરશે 

અમદાવાદ : ગુજરાત સરકારે ધો.૧૦ બાદ હવે ધો.૧૨ની પરીક્ષાઓ પણ રદ કરી દીધી છે. થોડા દિવસ પહેલા જ રાજય સરકારે કેન્દ્રના નિર્ણયની રાહ જોયા વગર જ ૧લી જુલાઈથી ધો.૧૨ની પરીક્ષાઓ અને ધો.૧૦ની રીપિટરની પરીક્ષાઓ લેવાની જાહેરાત કર્યા બાદ ગઈકાલે ૧લી જુને પરીક્ષાઓના કાર્યક્રમો જાહેર કર્યા અને આજે એકાએક ૧૨ની પરીક્ષાઓ પણ રદ કરવાની જાહેરાત કરી દેવાઈ છે.આમ કેન્દ્રના ઈશારે ચાલતી રાજ્ય સરકાર ફરી એકવાર વહિવટી કુશળતા નાપાસ થઈ છે.સરકારે ૧૨ સાયન્સ,સામાન્ય પ્રવાહ અને ધો.૧૦ના રીપિટર તેમજ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે કે નહી તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.

વડાપ્રધાને ગઈકાલે સાંજે ધો.૧૨ની સીબીએસઈ પરીક્ષાઓ રદ કર્યાની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી અને અધિકારીઓની ગઈકાલે મોડી રાત સુધી બેઠકો ચાલી હતી અને દરમિયાન આજે પુનઃવિચારણા મુદ્દે મળેલી કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી દ્વારા ધો.૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવા નિર્ણય લેવાયો હતો.થોડા દિવસ પહેલા જ સરકારે ૧લી જુલાઈથી પરીક્ષાઓ લેવાનું જાહેર કર્યુ હતુ અને ગઈકાલે જ સાંજે ગુજરાત સરકારની મંજૂરીથી બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સ,સામાન્ય પ્રવાહ અને ધો.૧૦ની રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓ માટેની બોર્ડ પરીક્ષાનો વિગતવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો હતો.

ધો.૧૨ના ૬.૯૩ લાખ અને ધો.૧૦ના ૩.૭૫ લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર હતી  ત્યારે આટલી સંવેદશિલ બાબતમાં સરકાર બેદરકાર હોય તેવુ સ્પષ્ટ દેખાયુ છે અને સરકારે ગણતરીના કલાકોમા જ યુટર્ન મારતા આજ ેસવારે પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી દીધી છે. સરકારે હાલ ધો.૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે પરંતુ ધો.૧૦ની રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા તેમજ ધો.૧૨ની રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહી અને લેવાશે તો ૧લી જુલાઈથી જ લેવાશે કે તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.સરકાર હવે રીપિટરોની પરીક્ષા મુદ્દે ભારે મુંઝાઈ છે. ધો.૧૦ અને ૧૨ના ૪ લાખથી વધુ રીપિટરોની પરીક્ષા જો લેવાય તો પણ હવે મુશ્કેલી ન લેવાય પણ મુશ્કેલી છે.ધો.૧૨ની પરીક્ષાઓ રદ થતા હવે રીપિટરો-ખાનગી વિદ્યાર્થીઓ અને  તેમના વાલીઓ આ પરીક્ષાઓ પણ રદ થાય તેવી માંગ કરી રહ્યા છે.જો કોરોનામાં ધો.૧૦-૧૨ની રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા ન લઈ શકાતી હોય તો રીપિટરોની પણ કઈ રીતે લઈ શકાય. 

જો ધો.૧૦-૧૨ની રીપિટરોની અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાય તો તેઓને માસ પ્રમોશન પણ આપી શકાય તેમ નથી અને તેઓનું એક વર્ષ બગડે તેમ છે.આમ સરકાર આ પરીક્ષાઓ મુદ્દે હાલ મોટી સમસ્યમાં મુકાઈ છે. જ્યારે બીજી બાજુ ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા રદ થયા બાદ હવે રાજ્યની ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ગુજકેટ લેવાશે કે તેને લઈને પણ મુંઝવણ ઉભી થઈ છે. ઈજનેરી પ્રવેશ માટે બોર્ડ અને ગુજકેટના પરિણામના આધારે મેરિટ બનતુ હોવાથી ગુજકેટ તો લેવી જ પડે તેમ છે પરંતુ સરકારે હાલ ગુજકેટ ક્યારે લેવાશે તેની સ્પષ્ટતા કરી નથી.હવે ગુજરાત સરકાર જેઈઈ અને નીટ સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓ લેવા મુદ્દે કેન્દ્રના નિર્ણય બાદ જ ગુજકેટ મુદ્દે જાહેરાત કરશે.જો કે થોડા દિવસમાં ગુજકેટના ફોર્મ ભરાવાનું શરૂ કરી દેવામા આવનાર છે.મહત્વનું છે કે કેન્દ્રના ઈશારે ચાલતી ગુજરાત સરકારે પરીક્ષાઓ રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમા પાસ કરવાનો તો નિર્ણય કર્યો છે પરંતુ સરકાર ખુદ વહિવટી કુશળતામા નાપાસ થઈ છે.ફરી એકવાર સરકારની નિર્ણયાકતાનો અભાવ દેખાયો છે.લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ ,સ્કૂલો-શિક્ષકો અને તમામ લોકો સરકારની અનિર્ણાયકતના હંમેશા ભોગ બને છે ત્યારે કોરોનામા જે રીતે દરેક બાબતોમાં જે રીતે સરકારના વારંવારના ફેરવાતા નિર્ણયો આવ્યા છે અને જાહેરાતો થઈ છે તે જોતા તો ખરેખર હવે લોકોમાં એક જ ચર્ચા છે કે ગુજરાતમાં ખરેખર સરકાર છે કે કેમ ?

પરીક્ષા તો રદ કરી દેવાઈ પણ હવે પરિણામ કઈ રીતે અપાશે તે  પ્રશ્ન 

ધો.૧૦ બાદ ધો.૧૨ની પરીક્ષાઓ પણ વિચાર્યા વગર રાજ્ય સરકારે રદ કરી દીધી છે પરંતુ પરિણામ કઈ રીતે હવે આપવુ તે મોટો પ્રશ્ન છે.ધો.૧૦માં જ હજુ સુધી તજજ્ઞાોની કમિટી દ્વારા કોઈ નિશ્ચિત પ્રમોશન પોલીસી નક્કી નથી અને રાજ્ય સરકારે પ્રમોશનના નિયમો જાહેર નથી કર્યા તો ધો.૧૨મા કઈ રીતે જાહેર કરશે અને ક્યારે જાહેર કરશે તે મોટો પ્રશ્ન છે.ધો.૧૨ માટે જો ધો.૧૧ના પરિણામનો આધાર લેવાય તો ધો૧૧માં પણ માસ પ્રમોશન ગત વર્ષે અપાયુ હતુ અને જેથી ધો.૯ અને ૧૦ના પરિણામનો આધાર લેવો પડે.ધો.૧૨માં કોરોનાને લઈને ૮ મહાનગરોમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ જ નથી થઈ તેમજ પ્રથમ સત્ર પરીક્ષાઓ પણ યોગ્ય રીતે લઈ શકાઈ નથી.ગુજરાત સરકારે કેન્દ્રનું આંધળુ અનુકરણ કરી પરીક્ષાઓ તો રદ કરી દીધી છે પરંતુ સીબીએસઈ પરીક્ષા-પરિણામ પદ્ધતિ અને ગુજરાત બોર્ડ પરીક્ષા-પરિણામ પદ્ધતિ અલગ છેતે બાબતે તજજ્ઞાો સાથે કોઈ ચર્ચા કરાઈ નથી અને તે વિના હાલ ઉતવાળે નિર્ણય લઈ લેવાયો છે.હવે ગુજરાત સરકાર પરિણામ-માસ પ્રમોશન પદ્ધતિમાં પણ સીબીએઈસનું જ આંધળુ અનુકરણ કરશે.

નીટ-જેઈઈ પણ લાખો વિદ્યાર્થી સાથે લેવાનાર છે તો બોર્ડ પરીક્ષા કેમ નહી ?

સીબીએસઈની ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે પરંતુ ઈજનેરી પ્રવેશ માટેની જેઈઈ અને મેડિકલ પ્રવેશ માટેની નીટ તો લેવી જ પડે તેમ છે.ઈજનેરી કોલેજો-આઈઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન અને જેઈઈ એડવાન્સ લેવી જ પડે તેમ છે.

ઉપરાંત મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ માટે માત્ર નીટનું જ મેરિટ ધ્યાને લેવાય છે ત્યારે નીટ પણ કેન્દ્ર સરકારે લેવી પડે તેમ છે.જેઈઈ મેઈનમાં બે વારની પરીક્ષા લેવાઈ ચુકી છે અને હજુ બે તબક્કાની પરીક્ષા બાકી છે.જેમાં ૬-૬ લાખ વિદ્યાર્થીઓ ઉપરાંત નીટમાં ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.આમ જેઈઈ મેઈન અને નીટ જો લાખો વિદ્યાર્થીઓ સાથે દેશભરમાં લેવાતી હોય તો ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ ગૌણ વિષયોને બાદ કરતા મુખ્ય જરૂરી વિષયો માટે કેમ ન લઈ શકાય ?