×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન 16 કરોડનો દારૂ, 540 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદ,તા.5 ડિસેમ્બર-2022, સોમવાર

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. બંને તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે. જેમાં પ્રથમ તબક્કામાં 63.14 અને બીજા તબક્કામા 60 ટકાથી વધુ મતદાન થયું હોવાનું અનુમાન છે. તે ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાની પ્રક્રિયાનો પણ કડકપણે અમલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 16 કરોડનો દારૂ અને 540 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. 

176.38 કરોડની અને ચીજવસ્તુઓ કબજે લેવાઈ

ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. બીજા તબક્કાના મતદાન દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.

બીજા તબક્કામાં ત્રણ ગામમાં મતદાનનો બહિષ્કાર 

રાજ્યમાં મતદાનથી અળગા રહેવા અને બહિષ્કાર કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા આ ત્રણ ગામના 06 બુથ પર લગભગ 5,000 જેટલા મતદારોએ મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે. પાણીના પ્રશ્ન અને કેટલીક સામાજિક બાબતોને લઈને આ ત્રણ ગામના લોકોએ મતદાનથી દૂર રહ્યા છે. એ સિવાય બીજે ક્યાંયથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાના સમાચારો નથી.

282 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા

બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ. આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 5:00  વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 87 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.35 ટકા છે. જ્યારે 88 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.35 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 282 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 1.11 છે.