×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોના સરકાર સર્જિત ડિઝાસ્ટર છે- પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


- ઓક્સિજનના વાંકે 80ના મોત થયા સરકાર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા માગણી

વડોદરા, તા. 28 એપ્રિલ, 2021, બુધવાર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને નિષ્ણાતોએ ચેતવણી આપી હોવા છતાં ગુજરાત સરકારે ૧૩ મહિનામાં કશું કર્યું નહીં અને માત્ર તાયફા, ઉત્સવ અને ક્રિકેટ મેચના આયોજન કર્યા. જેના કારણે કોરોના મહામારી સરકારના મિસ મેનેજમેન્ટથી સ્ફોટક બની અને લોકો ટપોટપ મરવા લાગ્યા. આ મહામારી સરકાર સર્જિત ડિઝાસ્ટર છે તેવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે .વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સરકારએ ઓક્સિજનની વ્યવસ્થા ન કરી અને એની અછત થી 80ના મોત થયા છે. આ મોત બિમારીથી નહીં પણ ઓક્સિજન ન મળવાને લીધે થયા છે તેઓ આક્ષેપ કરી તેમણે ઉમેર્યું હતું કે આ જાણીજોઈને કરેલી હત્યા છે, અને સરકાર સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ.

મદ્રાસ હાઈકોર્ટે પણ ચૂંટણી પંચ સામે પોતાના અવલોકનમાં હત્યાનો ગુનો દાખલ કરવા કહ્યું છે ,એમ કહીને તેમણે જણાવ્યું હતું કે સરકાર ને કોરોનાના બીજા તબક્કાની ખબર હતી. ઓક્સિજન, દવા ,બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શન વગેરેની વ્યવસ્થા ન કરી .શાસકની અણઆવડત અને ભૂલને કારણે પ્રજા મરતી હોય તો માનવ વધનો ગુનો બને છે. 1 વર્ષ પહેલા ગુજરાતમાં કેસ ઓછા હતા ત્યારે કોઈને પૂછ્યા વિના લોક ડાઉન નાખી દીધું .જેનો લોકોએ મને કમને સહકાર આપ્યો હતો, પરંતુ એકમાત્ર લોક ડાઉન વિકલ્પ નથી. પ્રજાને બચાવવાનો એક જ વિકલ્પ છે ,અને તે છે રસીકરણ. સરકાર પાસે લાંબાગાળાનું કોઈ આયોજન નથી. ટુકડે ટુકડે નિર્ણયો લે છે. દિલ્હીની સ્ક્રિપ્ટ મુજબ કામ કરવાનું બંધ કરીને કોરોના ભગાડવા બધાને બોલાવી, નિષ્ણાતોના અભિપ્રાય લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી લાંબાગાળાના આયોજન ઘડી કાઢવા તેમણે અનુરોધ કર્યો હતો. હજી તો ગુજરાતની .5 ટકા પ્રજા  સંક્રમિત થઈ છે, એમ જણાવી પ્રદેશ પ્રમુખે ઉમેર્યું હતું કે નિષ્ણાતો કહે છે કે તારીખ 10 થી 15 મે દરમિયાન કોરોના નો વિસ્ફોટ ટોચ પર પહોંચી જશે, ત્યારે શું થશે? હાલ સરકારની સીસ્ટમ પડી ભાંગી છે. સરકાર દૂરંદેશી નથી, અને કોરોના સામે આક્રમક થવા નિષ્ફળ ગઈ છે.