×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોનાના વળતર માટે 1 લાખથી વધારે અરજીઓ આવી, સત્તાવાર રીતે માત્ર 10,579 મૃત્યુ નોંધાયેલા


- તેલંગાણા સરકારે કોરોનાથી 3,993 લોકોના મૃત્યુની નોંધણી કરેલી તેના સામે વળતર માટે કુલ 31,053 અરજીઓ મળી

અમદાવાદ, તા. 04 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

ગુજરાત સરકારને કોવિડ-19થી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે હજુ પણ વધારે અરજીઓ મળી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્યએ કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તરફથી વળતર મેળવવા માટે ગુરૂવાર સુધીમાં 1,02,230 અરજીઓ મળી હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે રાજ્ય તરફથી કોરોના મહામારીના કારણે સત્તાવાર રીતે 10,579 લોકોના મૃત્યુની નોંધણી કરવામાં આવેલી છે. 

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે તે મેળવવા માટે 10 ગણા વધારે મૃત્યુનો દાવો દર્શાવતી અરજીઓ મળી રહી છે. કોવિડ મૃત્યુ વળતર મુદ્દે શુક્રવારે એપેક્ષ કોર્ટમાં સુનાવણી થવાની છે. 

અરજી પ્રમાણે ગુજરાતમાં કોરોના મૃત્યુ વળતર માટે 1 લાખ કરતાં પણ વધારે અરજીઓ મળી છે અને તેમાંથી 87,045 ક્લેઈમ મંજૂર કરવામાં આવ્યા છે. આજની તારીખ સુધીમાં 82,605 દાવાઓની ચુકવણી થઈ ગઈ છે. સરકારી સત્તાધીશોએ 8,994 અરજીઓ નકારી દીધી છે અને 6,000 કરતાં પણ વધારે અરજીઓ સ્ક્રુટિનીમાં છે. 

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન 5,867 બાળકો અનાથ બન્યા છે અને 3,287 કેસમાં વળતર આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાનો જે મૃતકઆંક રજૂ કરવામાં આવેલો તેની સામે વળતર માટેની અરજીઓમાં સૌથી વધારે તફાવત જોવા મળ્યો છે જે 10 ગણા જેટલો છે. જ્યારે તેલંગાણામાં આ પ્રમાણ 8 ગણા જેટલું છે. તેલંગાણા સરકારે કોરોનાથી 3,993 લોકોના મૃત્યુની નોંધણી કરેલી તેના સામે વળતર માટે કુલ 31,053 અરજીઓ મળી છે. તે પૈકીની 22,873 અરજીઓ સ્વીકારવામાં આવી છે અને 16,962 કેસમાં વળતરની ચુકવણી કરી દેવાઈ છે. 

અન્ય રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ સરકારે 14,527 કોરોના ડેથની નોંધણી કરેલી જ્યારે વળતર માટે 42,924 અરજીઓ મળી છે અને તેમાંથી 38,015 અરજીઓ સ્વીકારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 1,42,705 કોરોના ડેથ નોંધાયેલા તેના સામે વળતર માટે 2,27,107 અરજીઓ મળી છે જેમાંથી 1,32,092 અરજીઓ મંજૂર થઈ છે. તમિલનાડુમાં સત્તાવાર 37,636 કોરોના ડેથ સામે 61,954 અરજીઓ મળી છે જેમાંથી 47,096 અરજીઓનો સ્વીકાર થયો છે. જ્યારે બિહાર સરકારે 12,858 સત્તાવાર મૃત્યુની નોંધણી કરી છે તેના સામે વળતર માટે 11,507 અરજીઓ મળી છે અને તેમાંથી 10,685 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.