×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતની ચૂંટણી માટે પ્રશાંત કિશોરે કર્યો રાહુલ ગાંધીનો સંપર્ક


- ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા કથિત રીતે કિશોરને અભિયાનમાં સામેલ કરવા માટે ઉત્સુક 

નવી દિલ્હી, તા. 25 માર્ચ 2022, શુક્રવાર

કોંગ્રેસના બે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કથિત રીતે આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના અભિયાન પર કામ કરવા રાહુલ ગાંધી પાસે પહોંચ્યા હતા. હકીકતે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસ નેતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચે થયેલી વાતચીત બાદ બંનેના રસ્તા ફંટાઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસે પોતાના ચૂંટણી અભિયાનોને સંભાળવા માટે કિશોરના એક પૂર્વ સહયોગી સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જ્યારે પ્રશાંત કિશોર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ માટે રણનીતિ તૈયાર કરવા લાગ્યા હતા. 

જાણવા મળ્યા મુજબ કિશોરે માત્ર ગુજરાતની ચૂંટણી પર કામ કરવા માટે વન ટાઈમની રજૂઆત કરી છે. જોકે કોંગ્રેસે હજુ સુધી તેમના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય નથી લીધો. આ વાત મંગળવારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક દરમિયાન પણ સામે આવી હતી. 

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા કથિત રીતે કિશોરને અભિયાનમાં સામેલ કરવા માટે ઉત્સુક છે. જોકે, અંતિમ નિર્ણય રાહુલ ગાંધીએ જ લેવાનો છે. આ તરફ પ્રશાંત કિશોરની નજીકના લોકોએ આ વાતનું ખંડન કર્યું છે. 

કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, કિશોર ગત વર્ષો કોંગ્રેસમાં સામેલ થાય તેવી વાસ્તવિક શક્યતા હતી પરંતુ આ ભાગીદારી 'અનેક કારણો'થી ખતમ થઈ ગઈ. 

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરે ગત વર્ષે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા એમ ત્રણેય સાથે અનેક તબક્કાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત રણનીતિકાર રાહુલ ગાંધીના ઘરે ગયા તે તસવીરોએ પણ એ અટકળોને હવા આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની એન્ટ્રી લગભગ થઈ જ ગઈ છે.

ત્યાર બાદ પ્રશાંત કિશોર દ્વારા સતત આકરા પ્રહારો કરવામાં આવ્યા ત્યાર બાદ બંને વચ્ચેની વાતચીતનો અંત આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમણે સાર્વજનિકરૂપે કહ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે કોઈ પણ વ્યક્તિને દૈવીય અધિકાર નહોતો, ખાસ કરીને પાર્ટી જ્યારે છેલ્લા 10 વર્ષોમાં 90 ટકાથી વધારે મતોથી હારી ગઈ હોય. 

કિશોરે એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનું માનવું છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષમાં કોંગ્રેસની ભૂમિકા છે પરંતુ વર્તમાન નેતૃત્વમાં નહીં.