×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના રમખાણો અંગે અમિત શાહે કહ્યું- 60 લોકોને જીવતા સળગાવ્યા તેનો આક્રોશ હતો


- અમિત શાહે શીખ વિરોધી રમખાણોને યાદ કરતા કહ્યું, 'જ્યારે આટલા બધા શીખ ભાઈઓની હત્યા થઈ, 3 દિવસ સુધી કશું જ ન બન્યું. કેટલી SIT રચાઈ?'

નવી દિલ્હી, તા. 25 જૂન 2022, શનિવાર

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો મામલે એસઆઈટીના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તે રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય મામલે દેશના ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુ આપ્યું છે જેમાં તેમણે લાંબી લડાઈ બાદ 'સત્ય સોનાની માફક બહાર આવ્યું' તેમ જણાવ્યું છે. 

16 દિવસની બાળકીને માતાના ખોળામાં સળગતી જોઈ છે

ગુજરાતના રમખાણો અંગે અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લગાવાયેલા તમામ આરોપો ખોટા છે. તોફાનો થવા પાછળનું મૂળ કારણ ટ્રેન સળગાવાઈ તે હતું. મેં એક 16 દિવસની બાળકીને તેની માતાના ખોળામાં સળગતી જોઈ હતી. મેં 60 લોકોને સળગતા જોયા છે. મારા હાથે મેં તેમના અંતિમ સંસ્કાર કર્યા છે.

60 લોકોને જીવતા સળગાવાયા ત્યારે સૌ ચૂપ હતા

અમિત શાહને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તોફાનોમાં મુસલમાનોને તો મારવામાં આવ્યા ને? તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, જે રીતે 60 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા તેનો સમાજમાં આક્રોશ હતો. જ્યાં સુધી તોફાનો ન થયા ત્યાં સુધી કોઈએ તેની ટીકા પણ નહોતી કરી. ફક્ત ભાજપે તેનો વિરોધ કર્યો હતો. તે સમયે સંસદ ચાલુ હતી. કોઈએ નિંદા ન કરી, કોંગ્રેસ પાર્ટીનું કોઈ સ્ટેટમેન્ટ નહોતું. 

વધુ વાંચોઃ ગુજરાતના રમખાણો મામલે PM મોદીને મળેલી ક્લીન ચિટ સામેની ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ

અમિત શાહે જણાવ્યું કે, 'આ કેસમાં 19 વર્ષ સુધી મોદીજીને ખોટા આરોપોના કારણે દુઃખ સહન કરતા જોયા છે. 18-19 વર્ષની લડાઈ, દેશનો આટલો મોટો નેતા એક પણ શબ્દ બોલ્યા વગર તમામ દુઃખોને ભગવાન શંકરના વિષપાનની માફક ગળામાં ઉતારીને સહન કરીને લડતો રહ્યો. મેં મોદીજીને નજીકથી આ પીડા સહન કરતા જોયા છે કારણ કે, કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી એટલા માટે બધું સત્ય હોવા છતાં પણ અમે કશું ન બોલી શકીએ... ખૂબ મજબૂત મનનો માણસ જ આ સ્ટેન્ડ લઈ શકે છે.'

અમિત શાહે ગુજરાતના રમખાણો મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને નકારી દીધા છે. તમે કહી શકો છો કે, આ નિર્ણયથી એ સિદ્ધ થાય છે કે તમામ આરોપો રાજકારણથી પ્રેરિત હતા.'

અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, 'જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યા હતા તેમનો જો અંતરાત્મા હોય તો તેમણે મોદીજી અને ભાજપના નેતાની માફી માગવી જોઈએ. મોદીજીની પણ પુછપરછ થઈ હતી પરંતુ ત્યારે કોઈએ ધરણાં-પ્રદર્શનો નહોતા કર્યા અને અમે કાયદાનો સાથ આપ્યો. મારી પણ ધરપકડ થઈ હતી પરંતુ કોઈ ધરણા-પ્રદર્શન નહોતું થયું.'

એસઆઈટી તપાસ અંગે જણાવ્યું કે, 'દિલ્હીમાં સેનાનું મુખ્યાલય છે, જ્યારે આટલા બધા શીખ ભાઈઓની હત્યા થઈ, 3 દિવસ સુધી કશું જ ન બન્યું. કેટલી SIT રચાઈ? અમારી સરકાર આવ્યા બાદ એસઆઈટી બની. આ લોકો અમારા પર આરોપો લગાવી રહ્યા છે?'

ઉલ્લેખનીય છે કે, 2002માં ગુજરાતમાં જે તોફાનો થયા તેમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપતા એસઆઈટી રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે એસઆઈટી રિપોર્ટના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી અને મોદીને મળેલી ક્લીન ચિટને અકબંધ રાખી હતી. કોર્ટે 2002ના રમખાણો પાછળ મોટું ષડયંત્ર જવાબદાર હોવા મામલે તપાસ કરવાની મનાઈ કરીને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી અને ઝાકિયાની અરજીમાં કોઈ મેરિટ નથી તેમ જણાવ્યું હતું.  

વધુ વાંચોઃ ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી? કોર્ટે શું અવલોકન કર્યા?