×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતઃ 8,690 ગ્રામ પંચાયતોના ચૂંટણી સંગ્રામ માટે મતદાન શરૂ, સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો મેદાનમાં


- કુલ 1,47,198 ઉમેદવારો સરપંચ-સભ્ય બનવા માટે મેદાનમાં ઉતર્યા, 1.82 કરોડ મતદારો કરશે મતાધિકારનો પ્રયોગ

અમદાવાદ, તા. 19 ડિસેમ્બર, 2021, રવિવાર

પંચાયતો પર રાજકીય આધિપત્ય જમાવવા જામેલી કશ્મકશ વચ્ચે રવિવારે સવારથી જ 8,690 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,47,198 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 1,81,97,039 ગ્રામીણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

આગામી તા. 21મી ડિસેમ્બરના રોજ આ ચૂંટણીની મત ગણતરી યોજાશે. ઉલ્લેખનીય છે કે, પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહે છે. 8,690  ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચપદ માટે કુલ મળીને 8,513 બેઠકો માટે 27,200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48,573 બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 93,61,601 પુરૂષ મતદારો અને 88,35,244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 1,81,97,039 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોને રિઝવવા ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા અને ખાટલા બેઠકો યોજીને સામાજીક આગેવાનો સાથે રાજકીય સોદાબાજી પણ કરાઇ છે.

ભજિયા, ભાજીપાઉ ઉપરાંત જમણવારનો દોર પણ જામ્યો હતો. સામ, દામ અને દંડ, ભેદની નીતિ અપનાવીને શક્ય તેટલું વધારે મતદાન થાય તે માટે મથામણ કરાઇ છે. એટલું જ નહીં, બહારગામ રહેતાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા કારથી માંડીને લકઝરી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંવેદનશીલ મતદાન મથકોએ કોઇ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભાજપ અને કોંગ્રેસ માટે પણ પંચાયતોની ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ બની રહેશે. આ જોતાં ભાજપ- કોંગ્રેસના નેતાઓએ પંચાયતોની ચૂંટણીઓ પર નજર રાખી છે. કાર્યકરોએ ગામડાઓમાં ધામા નાંખ્યા છે. 

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89,049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1,165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1,165 સરપંચ અને 9,613 સભ્યો બિનહરીફ થયા છે. 473 સરપંચ અને 27,479 સભ્યોને પણ અંશતઃ બિનહરીફ જાહેર કરી દેવાયા છે

રાજ્ય ચૂંટણીપંચે આખાય રાજ્યમાં 3,074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6,656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. આમ, પંચાયતો પર કબજો મેળવવા રાજકીય પક્ષોઓએ પણ ઉધામા કર્યા છે.