×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતઃ સમગ્ર કેબિનેટ બદલવાને લઈ વિવાદ, નવા લોકો અંગે આંતરિક ક્લેષ, શપથ વિધિ સાંજ સુધી રોકાઈ


- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું પદ એક જ સમાજને આપવામાં આવે તેની શક્યતા ઓછી

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ બાદ આજે બુધવારે કેબિનેટની રચના થઈ શકે છે. જોકે હાલ આ મુદ્દો ગૂંચવાયેલો છે. હકીકતે નવા ચહેરાઓને લઈ પેચ છે. પહેલા મંત્રીઓના શપથ ગ્રહણની વિધિ બપોરે થવાની હતી પરંતુ હવે તેને સાંજ સુધી ટાળી દેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે જેને લઈ આંતરિક ક્લેષ વધ્યો છે. 

ભાજપના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે 90 ટકા મંત્રીઓને હટાવી દેવામાં આવશે. ફક્ત એક અથવા બે મંત્રી જ એવા હશે જેમને ફરી સામેલ કરવામાં આવશે. આ વાતને લઈ ગુજરાત ભાજપમાં તણાવ વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહીર, યોગેશ પટેલ વગેરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને ત્યાં તેમની મીટિંગ છે. એવું માનવામાં આવે છે કે, મંત્રી ન બનાવવાના કારણે નારાજ ધારાસભ્યો તેમને મળવા માટે પહોંચ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટમાં 21થી 22 મંત્રીઓને બુધવારે જ મંત્રી પદના શપથ ગ્રહણ કરાવાઈ શકે છે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને મહિલાઓની સંખ્યા પણ વધારાઈ શકે છે. તેવામાં અનેક જૂના અને દિગ્ગજ નેતાઓની કેબિનેટમાંથી છૂટ્ટી પણ થશે. જાતિય સમીકરણ બેસાડવાની સાથે સાફ-સુથરી છબિ ધરાવતા નેતાઓને મંત્રીમંડળમાં ખાસ જગ્યા આપવાની રણનીતિ છે. 

વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, આરસી ફળદુ અને કૌશિક પટેલના રાજકીય ભવિષ્યને લઈ પણ સવાલ થઈ રહ્યો છે. રૂપાણી સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીની સાથે નાણા મંત્રી હતા જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. આરસી ફળદુ કૃષિ મંત્રી છે અને કૌશિક પટેલ મહેસૂલ મંત્રી. આ ચારેય ગુજરાત ભાજપના જૂના ચહેરા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા તે સાથે જ નીતિન પટેલની ખુરશી જોખમાઈ છે કારણ કે, તે બંને પાટીદાર સમુદાયના છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું પદ એક જ સમાજને આપવામાં આવે તેની શક્યતા ઓછી છે.