×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે ગુલ થઈ હતી વીજળી, 1.5 મહિના બાદ પણ અંધારામાં છે આ ગામના લોકો


- શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા

નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર

અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હજારો લોકો બેઘર બન્યા હતા. વાવાઝોડાને પસાર થયે 1.5 મહિનો વીતી ગયો પરંતુ હજુ પણ અનેક જગ્યાએ લોકો તેના પ્રભાવમાંથી બહાર નથી આવી શક્યા. ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા નાનકડા દ્વીપ શિયાળ બેટ ખાતે તૌકતે વાવાઝોડાના કારણે અંધારપટ છવાયો હતો અને હજુ પણ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો. શિયાળ બેટના લોકો હજુ પણ અંધારામાં જ જીવી રહ્યા છે.

તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્રના કિનારે અથડાયું હતું જેથી અનેક ઘરો તથા વીજળી અને સંચાર લાઈનોને ક્ષતિ પહોંચી હતી. તેના 1.5 મહિના બાદ પણ અમરેલી જિલ્લાના પીપાવાવ બંદરેથી થોડે દૂર આવેલા નાનકડા શિયાળ બેટ દ્વીપના આશરે 6,000 રહેવાસીઓ અંધારામાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે. 

ગત 17 મેના રોજ વાવાઝોડાના કારણે શિયાળ બેટ દ્વીપની વીજ સેવા ખોરવાઈ હતી. વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાને સૌથી વધારે નુકસાન સહેવું પડ્યું હતું. અમરેલીના આશરે 620 કરતા પણ વધારે ગામોને બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારનું સ્વામીત્વ ધરાવતી પીજીવીસીએલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરી ગુજરાતમાં વીજ સેવા પૂરી પાડે છે. પીજીવીસીએલે બાકીના તમામ ગામોમાં વીજ સેવા પૂર્વવત કરી દીધી છે પરંતુ શિયાળ બેટ દ્વીપ પર રહેતા 6,000 કરતા પણ વધારે લોકો હજુ પણ અંધારામાં જ છે. 

શિયાળ બેટ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હમીર શિયાળે વીજળી ન હોવાના કારણે જીવન ખૂબ જ કઠિન બની ગયું છે તેમ જણાવ્યું હતું. વીજળી ન હોવાના કારણે ઘરો સુધી પીવાનું પાણી નથી પહોંચાડી શકાતું. લોકો પાસે બેટરી અને સોલાર પેનલ્સ છે પરંતુ તે રાતે માંડ 2 કલાક સુધી કામ આપે છે. શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા. 2016માં પહેલી વખત ત્યાં વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું.