×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગીર-સોમનાથ અને જૂનાગઢ બાદ નવસારીમાં આભ ફાટ્યું, ચાર કલાકમાં 13 ઈંચ વરસાદથી જળબંબાકાર


રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે અને અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ, ગીર-સોમનાથમાં મુશળધાર વરસાદથી અનેક તાલુકાઓ બેટમાં ફેરવાયા બાદ હવે નવસારીમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ચાર કલાકમાં જ 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. 


અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જૂનાગઢ અને ગીર-સોમનાથ બાદ નવસારીને વરસાદે ઘમરોળ્યુ છે. ધોરાજી, માંગરોળ, કેશોદ બાદ નવસારીમાં આભ ફટ્યું છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ સાથે જ શહેરના અનેક રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાય ગયા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી આપી હતી જે મુજબ અનરાધાર વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગેસ એજન્સીના વેરહાઉસમાં મુકેલા ગેસના બાટલા પાણીમાં તણાયા ગયા હતા.



ભારે વરસાદથી જનજીવન પર અસર

નવસારીમાં ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી હતી. નવસારીમાં એકધારા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અનેક જગ્યાએ ટ્રાફિક જોવા મળ્યો હતો. આ સાથે જમાલપોર, ઈટાળવા, લુનસીકુઈના રસ્તા પર ત્રણ ફુટ કરતા પણ વધુ પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત નવસારીના જલાલપોરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

નવસારી જિલ્લાના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર વરસાદને કારણે માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તકના 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેની નાગરીકોને જણ કરી છે. આ સિવાય અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


નવસારી જિલ્લાના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર વરસાદને કારણે પંચાયત વિભાગ હસ્તકના કુલ 57 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેની લોકો નોંધ લેવા જણાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત અનેક જગ્યાએ ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. શાળા કોલેજથી પરત ફરતા વિદ્યાર્થીઓને ઘરો પહોચવામાં મુશ્કોલીનો સામનો કરવો પડ્યો હતો.

વહીવટીતંત્રએ કંટ્રોલ રુમના નંબર જાહેર કર્યા

આ ઉપરાંત નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી પગલે નાગરિકોને સાવચેત રહેવા તેમજ કોઈપણ અપાતકાલીન ઘટના બને તો કંટ્રોલ રુમનો સંપર્ક કરવા જણાવ્યુ છે.


નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ ડેમ, નાળા છલકાયા છે ત્યારે જિલ્લાની જીવાદોરી સમાન કેલિયા ડેમ 90 ટકા સુધી ભરાય ગયો છે. આ ઉપરાંત ચીખલી ગણદેવીમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીનું જળસ્તર અડધો ફૂટ વધી 12 ફૂટ પર પહોંચ્યું હતું.


ગરનાળામાં પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થયો

નવસારીમાં આજે 13 ઈંચ વરસાદ ખાબકતા નેશનલ હાઈવે 48ને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત ખેરગામમાં ધોધમાર વરસાદથી રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે જેને પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ઘસી પડવાની પણ ઘટના બની હતી જેમાં બે કાર દબાઈ ગઈ છે. અવિરત વરસાદને કારણે દૂકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે.