×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાલવાન સંઘર્ષમાં શહીદ થયેલા જવાનના પત્ની સેનામાં બનશે ઓફિસર, મહત્વપૂર્ણ પરીક્ષા કરી પાસ


- રેખા દેવીએ સેનાની આકરી એવી પર્સનાલિટી એન્ડ ઈન્ટેલિજેન્સ પરીક્ષા પાસ કરી

- નાયક દીપક સિંહે ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકોને ખદેડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી

નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી, 2022, સોમવાર

ગાલવાન ઘાટી ખાતે અદમ્ય સાહસ દર્શાવી ચીની સૈનિકોને ધૂળ ચટાડીને સર્વોચ્ય બલિદાન આપનારા બિહાર રેજિમેન્ટની 16મી બટાલિયનના શહીદ નાયક દીપક સિંહના પત્ની રેખા દેવી હવે સેનામાં ઓફિસર બનશે. રેખા દેવીએ સેનામાં ઓફિસર બનવા માટે મહત્વપૂર્ણ પરીક્ષા પાસ કરી દીધી છે. રેખા દેવીએ સેનાની આકરી એવી પર્સનાલિટી એન્ડ ઈન્ટેલિજેન્સ પરીક્ષા પાસ કરી છે અને હવે તેઓ ચેન્નાઈ ખાતે ઓફિસર ટ્રેઈનિંગ અકાદમીમાં પ્રશિક્ષણ મેળવશે. ઉલ્લેખનીય છે કે, 15 જૂન, 2020ના રોજ પૂર્વીય લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીનની સેના સાથે ભારે સંઘર્ષમાં નાયક દીપક સિંહ શહીદ થયા હતા. 

નાયક દીપક સિંહના પત્ની રેખા દેવી 23 વર્ષના છે અને આ પરીક્ષા પાસ કરવા માટે તેમણે આકરી મહેનત કરી છે. નાયક દીપક સિંહે ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકોને ખદેડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. ગત નવેમ્બરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મરણોપરાંત વીરચક્ર વડે સન્માનિત કર્યા હતા. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર બાદ વીર ચક્ર યુદ્ધ કાળમાં સેના માટે ત્રીજું સૌથી મોટું સર્વોચ્ય સન્માન છે. 

5 દિવસ સુધી આકરી પરીક્ષા

રેખા દેવી અલાહાબાદ ખાતે સેનાની 5 દિવસીય સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષામાં સામેલ થયા હતા અને સેનાની ખૂબ જ આકરી પરીક્ષા પાસ કરી હતી. સેનાના સેવા ચયન બોર્ડે શુક્રવારે રેખા દેવીને આ કઠિન પરીક્ષામાં ઉત્તીર્ણ ઘોષિત કર્યા હતા. હવે તેમને ચેન્નાઈ ખાતે સેવા પૂર્વ પ્રશિક્ષણ આપવામાં આવશે. સંઘ લોક સેવા આયોગ દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોની યાદી જાહેર કરાવમાં આવે તે પહેલા રેખા દેવીએ મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે.

સીડીએસની પરીક્ષામાં છૂટ

ઉલ્લેખનીય છે કે, શહીદોના પત્નીઓને પરીક્ષામાં વય મર્યાદામાં છૂટ મળે છે. જોકે ઓટીએમ માટેની વય મર્યાદા 19થી 25 વર્ષ નિર્ધારીત છે. રેખા દેવીની ઉંમર હાલ માત્ર 23 વર્ષની છે. ચેન્નાઈની ઓફિસર ટ્રેઈનિંગ અકાદમીમાં તેમણે 9 મહિના કઠિન પ્રશિક્ષણમાંથી પસાર થવું પડશે. ત્યાર બાદ સેનામાં તેઓ લેફ્ટિનેન્ટના પદ પર ભરતી થશે. 

રેખા દેવી મધ્ય પ્રદેશના રીવાના રહેવાસી છે. શહીદોના પત્નીઓને સેનામાં ભરતી થવા માટે સંઘ લોક સેવા આયોગ દ્વારા આયોજિત સીડીએસની પરીક્ષામાં છૂટ મળે છે પરંતુ એસએસબી દ્વારા 5 દિવસ સુધી આકરી પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ તેમની પસંદગી થાય છે. આ નિયમ અંતર્ગત શહીદોના નિકટના સંબંધીઓની ભરતી થાય છે.