×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાલવાન ઘાટીમાં માર્યા ગયા હતા 45 ચીની સૈનિકો, ભારત-ચીન સમજૂતી વચ્ચે રૂસી એજન્સીનો દાવો


- 15 જૂનના રોજ થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે LAC ખાતે બંને દેશની સેનાઓની પીછેહઠને લઈને થયેલી સમજૂતી અંગે જાહેરાત કરી તે સમયમાં જ રશિયન સમાચાર એજન્સીએ એક ભારે મોટો ખુલાસો કર્યો છે. પૂર્વીય લદ્દાખની ગાલવાન ઘાટીમાં ગત વર્ષે 15 જૂનના રોજ લોહીયાળ સંઘર્ષ થયો હતો જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ત્યારે રશિયન સમાચાર એજન્સી તાસ (TASS) દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ગાલવાન ઘાટીની હિંસામાં 45 ચીની સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીને હજુ સત્તાવાર રીતે પોતાના સૈનિકો માર્યા ગયેલા તે વાતનો સ્વીકાર નથી કર્યો. 

એક તરફ ભારત અને ચીન બંને દેશ પૈંગોગ લેક વિસ્તારમાંથી પોતાની સેના પાછી ખેંચવા તૈયાર થયા છે ત્યારે તેવા સમયે જ રશિયન સમાચાર એજન્સી તાસ દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. 

પૂર્વીય લદ્દાખમાં ગાલવાન ઘાટી ખાતે થયેલી હિંસા બાદ તણાવ વ્યાપેલો છે. આ તણાવને ધ્યાનમાં રાખીને બંને દેશોએ આશરે 50-50 હજાર જેટલા સૈનિકોને તૈનાત રાખ્યા છે. અગાઉ ભારત સાથેની બેઠકમાં ચીને ગાલવાન ઘાટી સંઘર્ષમાં પોતાના 5 સૈનિકો માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું જેમાં ચીની સેનાના કમાન્ડિંગ ઓફિસરનો પણ સમાવેશ થતો હતો. ચીન ભલે માત્ર 5 સૈનિકો માર્યા ગયા હોવાની વાત કરતું હોય પરંતુ અમેરિકી અને ભારતીય ગુપ્તચર એજન્સીઓના અનુમાન પ્રમાણે તે હિંસામાં ઓછામાં ઓછા 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા. 

રેજાંગ લા, રેચિન લામાં બંને સેનાઓ સામસામે

રશિયન સમાચાર એજન્સીના ખુલાસાથી પૃષ્ટિ થાય છે કે હાલ પૂર્વીય લદ્દાખના દેપસાંગ, પૈંગોગ લેકના નોર્થ અને સાઉથ કિનારા, પેટ્રોલિંગ પોઈન્ટ 17A, રેજાંગ લા અને રેચિન લામાં બંને સેનાઓ સામસામે છે. ગાલવાન હિંસાથી પાઠ ભણ્યા બાદ ભારતે ચીનને સ્પષ્ટ જણાવી દીધું છે કે અમારા સૈનિકો પોતાની સુરક્ષા અને પૂર્વીય લદ્દાખમાં અમારી સરહદની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ભારતે ચીનને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો ક્ષેત્રમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ તો અમારા સૈનિકો ગોળીબાર કરતા બિલકુલ નહીં અચકાય. 

સેનાની પીછેહઠની ખબર

રશિયન સમાચાર એજન્સી તાસએ જ સૌથી પહેલા પૈંગોગ લેક વિસ્તારમાંથી ભારત અને ચીનની સેનાની પીછેહઠની વાત કરી હતી. બંને દેશ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે સૈનિકો ધીમે-ધીમે પીછેહઠ કરી રહ્યા છે. ત્યાર બાદ ચીની સંરક્ષણ મંત્રાલયે પણ સૈનિકોની પીછેહઠના સમાચારની પૃષ્ટિ કરી હતી. ચીની સંરક્ષણ મંત્રાલયે કમાંડર સ્તરની 9મા તબક્કાની વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે સૈનિકોની પીછેહઠને લઈ સહમતી સધાઈ હોવાનું જણાવ્યું હતું.