×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા


ગાંધીનગર, તા. 13 સપ્ટેમ્બર 2021 સોમવાર

ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે ગાંધીનગર સ્થિત રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતા આ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા.  શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17 માં મુખ્યમંત્રી તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લીધા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

ગઇકાલે ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠકમાં નામ પર આખરી સહમતિ સધાયા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હવે તેમણે શપથ લઈ લીધા છે. 

ગુજરાતમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી હતી. આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા પરંતુ કેબિનેટની શપથવિધિ બે દિવસ પછી રાખવામાં આવી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં યોજાનારી બેઠકમાં હાજર રહેશે.

ગાંધીનગરમાં આવેલા રાજભવનમાં નવા સીએમની શપથવિધિ માટે તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી હતી. વરસાદના કારણે રાજભવનમાં ડોમ તૈયાર કરવામાં આવ્યો. ડોમમાં 500થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો શપથ ગ્રહણ પહેલા ભૂપેન્દ્ર પટેલે પૂર્વ CM વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીને મળીને શુભેચ્છા સ્વીકારી હતી.

આજે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ કરે તે પહેલા સવારથી તેમના ઘરે ચહલપહલ જોવા મળી. ભૂપેન્દ્ર પટેલના શીલજ સ્થિત નિવાસસ્થાને સઘન બંદોબસ્ત જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારી તેમના નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરે રહેલા સીમંધર સ્વામીની પ્રતિમાને શિશ ઝુકાવ્યુ હતુ. તો સાથે જ આજે સવારથી તેમના નિવાસસ્થાને સોસાયટીના લોકો પહોંચ્યા હતા અને તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. કેટલાક રહીશોએ બૂકે તો કેટલાક રહીશોએ મીઠાઈ ખવડાવીને ભૂપેન્દ્ન પટેલને શુભકામના પાઠવી હતી.

સીએમ પદની શપથગ્રહણ કરતા પહેલા રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી.  સી.આર. પાટીલે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી હતી.

ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.