×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાંધીનગરથી જમ્મુ-કાશ્મીરનું લાયસન્સ બનાવવાનું કૌભાંડ : પાકિસ્તાન-આતંકી કૃત્ય હોવાની આશંકા, કુલ 6ની ધરપકડ

અમદાવાદ, તા.08 જુલાઈ-2023, શનિવાર

ભારતીય સુરક્ષાદળોના બનાવટી દસ્તાવેજોના આધારે લાઈસન્સ બનાવવાના કૌભાંડમાં 6 આરોપીની ધરપકડ થયા બાદ વધુ એક આરોપીની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીના જમ્મુ કાશ્મીરની કોર્ટમાંથી ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારાઓ ખુલાસા થયા છે.

લાયસન્સ કૌભાંડનું પાકિસ્તાન કનેક્શન, આતંકી કૃત્યની પણ આશંકા

દરમિયાન પોલીસ સૂત્રોએ આ લાયસન્સ કૌભાંડ પાકિસ્તાન કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઉપરાંત ભારતીય સુરક્ષાદળોના નામે બનાવાતા લાયસન્સો એક આતંકવાદી કૃત્ય હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો આ લાયસન્સ કૌભાંડ પાકિસ્તાન કે આતંકી કૃત્ય હોય તો દેશ માટે પણ મોટો ખતરો હોવાનું હોઈ શકે છે.

અમદાવાદ શહેર ક્રાઈબ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીરથી આરોપીને પકડી લાવી

દરમિયાન ગાંધીનગર RTOમાં એજન્ટ તરીકે કામ કરતો (1) સંતોષસિંઘ માધવસિંઘ ચૌહાણ અને (2) ધવલ વસંતકુમાર રાવત તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો (3) હિતેષ કેશવલાલ લિંબાચીયા, (4) દિવ્યાંગ જશુભાઇ પટેલ તેમજ (5) રામસિંહ મનુભાઈ ઠાકોર ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં રહેતો (6) નાસર અહેમદ ઉર્ફે નઝીર હબીબુલ્લાહ મીર અને (7) વસીમ કુરેશી ભારતીય સુરક્ષાદળોના બનાવટી દસ્તાવેજોના આધારે જમ્મુ-કાશ્મીરના રહિશોના લાયસન્સ બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. દરમિયાન અગાઉ સંતોષ સિંઘ અને ધવલની ધરપકડ કરાયા બાદ ગઈકાલે હિતેષ, દિવ્યાંગ, રામસિંહની ધરપકડ કરવામાં આવી હતી, તો અમદાવાદ શહેર ક્રાઈબ્રાન્ચની ટીમ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી જમ્મુ-કાશ્મીરમાંથી આરોપી નઝીરને પકડી લાવી હતી. દરમિયાન આરોપીઓની પુછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

આરોપીઓ આવી રીતે આચરતા હતા લાયસન્સ કૌભાંડ

આ આરોપીઓમાંથી નઝીર અને વસીમ જમ્મુ-કાશ્મીરના રહિશોના ઓળખના પુરાવા તથા ફોટા એજન્ટ ધવલને મોકલી આપતા હતા, જેના આધારે ધવલ ગાંધીનગર RTO કચેરી ખાતેથી તેઓના લાઈસન્સ બનાવતો હતો અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર ખાતે આવેલ સંલગ્ન RTO કચેરીમાં ટ્રાન્સફર અરજી કરી ત્યાંના સરનામાના આધારે ડ્રાઈવિંગ લાયસન્સ બદલાવી આપતો હતો. આ ટોળકીએ અત્યાર સુધીમાં આવા 150થી 200 લાયસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કામ માટે એક લાયસન્સ પેટે રૂપિયા 13 હજારથી 20 હજાર સુધીના રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે. તો ગઈકાલે ધરપકડ કરવામાં આવેલા અન્ય આરોપીઓ હિતેષ, દિવ્યાંગ, રામસિંહ આર.ટી.ઓ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કોન્ટ્રાકટ પર કામ કરતા હતા તેમજ આર.ટી.ઓ.ની કામગીરી, યુઝર આઇડી, પાસવર્ડ સહિતની માહિતી જાણતા હોવાથી પોતે જ ડ્રાઇવીંગ લાયસન્સ અરજીઓ વેરીફિકેશન તથા એપ્રુવ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું.

J&Kના ઉરીમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી

અગાઉ આ મામલે સંતોષસિંઘ માધવસિંઘ ચૌહાણ અને ધવલ વસંતકુમાર રાવતની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડ અંગે DCB પોલીસ સ્ટેશન પાર્ટ-એમાં ગત 16 જૂને ગુનો દાખલ થયા બાદ અમદાવાદ શહેર ક્રાઈબ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી હતી અને તપાસ દરમિયાન ત્રીજી જુલાઈએ જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જીલ્લાના ઉરી ખાતેથી આરોપી નાસર અહેમદ ઉર્ફે નઝીર હબીબુલ્લાહ મીરની ધરપકડ કરી હતી.