×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગલવાન-પેંગોંગ કાંઠેથી ચીની સૈન્યની પીછેહટ શરૃ, ભારત પણ ફૌજ હટાવશે


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૧

ભારત-ચીન વચ્ચે ૨૦૨૦થી ચાલી રહેલા ગલવાન-પેંગોગ સંઘર્ષનો હાલ પુરતો સુખદ અંત આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં માહિતી આપી હતી કે બન્ને દેશો ગલવાન ખીણ અને પેંગોંગ સરોવરના કાંઠે ખડકાયેલા સૈન્યને પરત ખેંચવા તૈયાર થયા છે. એ કાર્યવાહી આરંભી પણ દેવાઈ છે. બન્ને દેશની ટેન્કો પીછેહટ કરી રહી હોય એવો વિડીયો પણ ભારતીય સૈન્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

મે ૨૦૨૦માં લદ્દાખની ગલવાન ખીણ પાસે ચીની સૈન્યએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો હતો. એ પછી ચીનના અક્કડ વલણનો જવાબ આપવા ભારતે સરહદે જંગી સૈન્ય ખડક્યું હતું. એમાં પણ ભારત-ચીન બન્ને દેશમાં ફેલાયેલા પેંગોગ સરોવરના કાંઠે તો બન્ને દેશની સેના કેટલાક મીટરના અંતરે જ હતી. સાથે સાથે ભારતે ટેન્ક જેવા ભારેખમ હથિયારો, ફાઈટર વિમાનો સરહદે તૈનાત કરી દીધા હતા.

દસેક મહિના તંગ સ્થિતિ રહ્યા પછી ભારતના મક્કમ વલણ સામે હવે ચીને ઝૂકવું પડયું હતું. રાજનાથ સિંહે જણાવ્યુ હતુ કે શાંતિવાર્તાને વળગી રહેવાના ભારતના પ્રયાસો રંગ લાવ્યા છે. આખરે ચીન સાથે સૈન્ય પાછુ ખેંચવાની સમજૂતી થઈ છે. સૈન્યની પીછેહટ શરૃ પણ કરી દેવાઈ છે. તેમણે કહ્યું હતું કે આ સમયગાળામાં ભારતે એક ઈંચ પણ જમીન ગુમાવી નથી.

પંદર-વીસ હજાર ફીટની ઊંચાઈ પર આવેલી લદ્દાખ સરહદે ટકી રહેવા માટે બન્ને દેશોએ બંકર, લશ્કરી થાણા સહિતના બાંધકામો કર્યા હતા. એ બાંધકામો પણ હટાવી લેવાશે. એ પછી આ વિસ્તારમાં મે ૨૦૨૦ પહેલા જેમ પેટ્રોલિંગ થતું હતું તેમ બન્ને દેશ પેટ્રોલિંગ કરશે. સમજૂતી પ્રમાણે ભારતીય સૈન્ય ફિંગર-૩ તરીકે ઓળખાતા એરિયા સુધી પાછળ ખસી જશે, જ્યારે ચીન ફિંગર-૮ એરિયા સુધી પાછળ જશે. આ કામગીરી સાત દિવસમાં પુરી થવાનો અંદાજ છે. ફિંગર-૪થી ૭ સુધીનો વિસ્તાર ખાલી રખાશે. સૈન્ય પાછુ ખેંચી લેવાની કાર્યવાહી પુર્ણ થશે એટલે બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ફરીથી મીટિંગ થશે અને આગળનો રોડમેપ તૈયાર કરાશે.       

 


ચીન પાસે ભારતની ૪૩૦૦૦ ચોરસ કિલોમીટર જમીન છે

ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ દાયકાઓથી ચાલે છે, દાયકાઓ સુધી ચાલી શકે એવો છે. કેમ કે ચીનની મૂળભૂત વૃત્તિ પારકી જમીન પચાવી લેવાની છે. રાજનાથ સિંહે વધુ માહિતી આપતા કહ્યુ હતુ કે સૌ જાણે છે, તેમ ચીન પાસે ભારતની ૪૩૦૦૦ ચોરસ કિલોમીટરથી વધારે જમીન છે. એ જમીનમાં મુખ્યત્વે લદ્દાખના ઉત્તર-પૂર્વ ભાગનો સમાવેશ થાય છે. આ જમીન પૈકી ૧૯૬૨ના યુદ્ધ વખતે ચીને ભારતની ૩૮૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી લીધો હતો. એ પછી પાકિસ્તાને પોતાના કબજાના કાશ્મીરમાંથી ૫૧૮૦ ચોરસ કિલોમીટર જમીન ચીનને સરહદી સમાધાન પેટે આપી હતી. એ બન્ને જમીનો ચીન પાસે છે, જે મૂળ ભારતની છે. એટલું ઓછું હોય એમ ૯૦ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આખુ અરૃણાચલ પોતાનું હોવાનું ચીનનો દાવો છે.

 

આ સમાધાન કાયમી કે કામચલાઉ?

ચીન સાથેનું આ સમાધાન કાયમી હશે કે કામચલાઉ એ મોટો પ્રશ્ન છે. કેમ કે ચીન પેંગોગના કાંઠેથી સૈન્ય પરત ખેંચી રહ્યું છે. પરંતુ ભારત સાથેની લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર ઠેર ઠેર ચીની જમાવડો છે જ. વળી સરહદથી જરા અંદરના વિસ્તારમાં ચીને મોટી સંખ્યામાં લશ્કરી બાંધકામો, રોડ-રસ્તા, એરબેઝ, વગેરે ઉભા કરી લીધા છે. એટલે ચીન ઝડપથી સરહદે સૈન્ય ખડકી શકે એમ છે. અત્યારે તો ચીનની દાળ ગળી નથી એટલે પીછેહટ કરી છે. પરંતુ આ પીછેહટ ક્યાં સુધી જળવાઈ રહેશે એ મહત્ત્વનો સવાલ છે. કેમ કે ચીન રાજકારણીઓની માફક પોતાના વિધાનથી ફરી જવામાં માહેર છે.

 ચીનના ૪૫ સૈનિકો મરાયા હતા ઃ રશિયા

ગલવાન સંઘર્ષમાં ભારતના ૨૧ જવાનો શહીદ થયા હતા. સામે પક્ષે ચીનને મોટું નુકસાન થયું હતું. પણ ચીને ક્યારેય તેનો આંકડો જાહેર કર્યો નથી. પરંતુ હવે રશિયન સરકારી સમાચાર સંસ્થા તાસના અહેવાલ પ્રમાણે ચીનના ૪૫ શહીદો મરાયા હતા. અગાઉ અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીએ પણ ચીનના ૪૦થી વધારે સૈનિકો માર્યા ગયાના અહેવાલો આપ્યા હતા.

 સમાધાનમાં ટ્રમ્પની વિદાય કારણભૂત છે?

ટ્રમ્પનું વલણ ચીન પ્રત્યે અત્યંત આકરું હતું. બીજી તરફ ટ્રમ્પે ભારત તરફ મૈત્રી વધારી દીધી હતી. ટ્રમ્પની ઈચ્છા ભારતને ચીન વિરૃદ્ધ અડિખમ રાખવાની હતી, સાથે સાથે ચીન-ભારત વચ્ચે સંઘર્ષ ચાલતો રહે એમાં પણ અમેરિકાને રસ હતો. ટૂંકમાં સ્થિતિ થાળે પડે એ વાતમાં અમેરિકાને ખાસ રસ ન હતો. પરિણામે સરહદે થયેલો સંઘર્ષ છેવટે દસ મહિના સુધી લંબાયો. અમેરિકામાં સત્તા બદલાઈ એ સાથે જ હિમાલયની ટોચે ભારત-ચીન વચ્ચેના સમિકરણો પણ બદલાયા. હવે આગામી દિવસોમાં તંગદીલી પણ શાંત પડી જશે.