×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગરીબોને રાહત આપવા રેલવેનો મોટો નિર્ણય : આ રાજ્યોમાં દોડાવશે જનતા ટ્રેન, શ્રમિકોને મળશે આ સુવિધા

નવી દિલ્હી, તા.20 જુલાઈ-2023, ગુરુવાર

દિલ્હી, મુંબઈ, ભોપાલ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચંડીગઢમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. લાંબા સમયથી માંગ હતી કે, પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત સામાન્ય વર્ગ માટે પણ ટ્રેનો શરૂ કરવી જોઈએ. ત્યારે રેલવેએ આ બાબતે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. રેલવેએ લાંબા રૂટો પર નોન-એસી સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાની તૈયારીઓ આરંભી છે. આ ટ્રેનોથી પોતાના ગામથી દૂર શહેરોમાં કમાણી કરવા જતા શ્રમિકોને સુવિધા મળશે. ઉપરાંત તહેવારોમાં શ્રમિકોને તેમના ઘરે નોન-સ્ટોપ પહોંચવામાં પણ સરળતા મળશે. અત્યાર સુધી માત્ર એસી સમર સ્પેશ્યલ અથવા ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો જ દોડાવાતી હતી, પરંતુ હવે આ ટ્રેનોને આખુ વર્ષ દોડાવાશે.

આવી કેટલીક ટ્રેનોનું સંચાલન 2024થી શરૂ થવાની સંભાવના

રેલવેના અધિકારીઓનું કહેવું છે કે, ઘણા રૂટોનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટનો પણ અભ્યાસ કરાયો છે. આ ટ્રેનોને એવા રૂટ પર ચલાવવાની વિચારણા કરાઈ રહી છે, જ્યાં ટિકિટની વેઈટિંગ લિસ્ટ લાંબા સમય સુધી રહે છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આવી કેટલીક ટ્રેનોનું સંચાલન જાન્યુઆરી-2024થી શરૂ થઈ શકે છે. આ ટ્રેનોના કોચ આધુનિક એલએચબી ટેકનોલોજીવાળા હશે, માત્ર આમાં એસીની સુવિધા નહીં હોય.

હજુ સુધી નામ પણ નિર્ણય નહીં, આ રાજ્યોમાં દોડાવાશે

હાલ આ ટ્રેનોના નામકરણ પણ કોઈપણ નિર્ણય બહાર આવ્યો નથી. રેલવેએ કોરોના કાળ દરમિયાન શ્રમિકો પોતોના ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કર્યું હતું. રેલવે બોર્ડનું કહેવું છે કે, આ ટ્રેનોનું સંચાલન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી કરવામાં આવશે. 

આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ, એસી નહીં

ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને બંગાળ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો મેટ્રો સિટીમાં કમાવવા જાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ રૂટો પરની ટ્રેનોમાં માત્ર સ્લીપર અને જનરલ ક્લાસની સુવિધા હશે. આ ટ્રેનોમાં એસીની સુવિધા નહીં હોય. આ ટ્રેનો દ્વારા મોટી સંખ્યામાં આવન-જાવન થઈ શકે છે. આ ટ્રેનોમાં 22થી 26 કોચની તૈયારી છે. આ ટ્રેનોના રૂટ અને સમય એક્સપ્રેસ ટ્રેનોની જેમ નક્કી કરાશે અને રોજેરોજ દોડાવાશે. લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.