×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈ સહિત અનેક શહેરોમાં દુર્ઘટના, 12 બાળકો સહિત 15 લોકો ડૂબ્યા


- મુંબઈના વર્સોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમિયાન 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા જેમાંથી 2 બાળકોને વર્સોવા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે બચાવી લીધા હતા

નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર, 2021, સોમવાર 

ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન રવિવારે દેશના અનેક વિસ્તારોમાં કેટલાય લોકો ડૂબવાની ઘટનાઓ બની છે. મુંબઈના વર્સોવા બીચ પર વિસર્જન દરમિયાન 5 બાળકો ડૂબવા લાગ્યા હતા જેમાંથી 2ને બચાવી શકાયા હતા. આ જ રીતે યુપીના બારાબંકી ખાતે 5 શ્રદ્ધાળુઓ કલ્યાણી નદીમાં ડૂબી ગયા હતા. 

ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન 5 શ્રદ્ધાળુઓ કલ્યાણી નદીમાં ડૂબી ગયા હતા જેમાં એક મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. 

ભિંડમાં સગા ભાઈઓ સહિત 4 બાળકો ડૂબ્યા

ભિંડ ખાતે ગણેશ વિસર્જન બાદ તળાવમાં નહાવા માટે ઉતરેલા 4 બાળકોનું ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે. મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. વિસર્જન દરમિયાન બાળકોએ વન ખંડેશ્વર મંદિર પાસે તળાવમાં નહાવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના પરિવારજનોએ તેમને અટકાવ્યા હતા. જોકે પરિવારજનોના ગયા બાદ બાળકો પાણીમાં નહાવા ઉતર્યા હતા અને ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. તમામ બાળકોની ઉંમર 10થી 12 વર્ષની હતી અને તેમાંથી 2 સગા ભાઈઓ હતા. 

વર્સોવા બીચ પર 5 બાળકો ડૂબ્યા

મુંબઈના વર્સોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમિયાન 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા જેમાંથી 2 બાળકોને વર્સોવા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે બચાવી લીધા હતા. 

એમપીના રાજગઢમાં એક યુવાનનું મોત

આ તરફ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલા કાચરિયા ગ્રામમાં એક 17 વર્ષીય તરૂણનું મોત થયું હતું. મૂર્તિ વિસર્જન વખતે પગ લપસી જતાં કૂવામાં પડવાથી તેનું મૃત્યુ થયું હતું.