×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગડકરીએ ઓફિસરોને ઉદ્દેશીને કહ્યું- મંત્રીઓને કાયદા તોડવાનો હક છે, તમે ફક્ત 'જી સર' કહો


- ગડકરીએ જનહિત તથા જનતાની ભલાઈ માટે કાયદાનો ભંગ કરવાની કે તેની ઉપેક્ષા કરવાની વાત કરી હતી

નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર 

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મંગળવારના રોજ નાગપુર ખાતે નોકરશાહી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મંત્રી તમારા કહ્યા મુજબ નહીં પરંતુ તમારે મંત્રીઓના કહેવા પ્રમાણે કામ કરવાનું છે. નાગપુર ખાતે મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે, 'હું બ્યુરોક્રેટ્સને હંમેશા કહું છું કે સરકાર તમારા હિસાબથી નહીં ચાલે.'

ગડકરીએ જણાવ્યું કે, 'હું હંમેશા ઓફિસર્સને કહું છું કે, સરકાર તમારા કીધા પ્રમાણે કામ નહીં કરે. તમારે ફક્ત 'જી સર' કહેવાનું છે. તમારે એ જ વસ્તુઓ લાગુ કરવાની છે જે અમે (મંત્રીઓ) કહી રહ્યા છીએ. સરકાર અમારા (કહેવા) મુજબ ચાલશે. હું જાણું છું કે, ગરીબોની ભલાઈના રસ્તામાં કોઈ કાયદો નથી આવતો. પરંતુ જો આવા રસ્તામાં કોઈ કાયદો આવશે તો પણ તેને 10 વખત તોડવામાં પણ આપણે સંકોચ ન રાખવો જોઈએ.'

ગડકરીએ જણાવ્યું કે, 'ગાંધીજી પણ કહેતા હતા કે જો કાયદો ગરીબોના વિકાસનો રસ્તો રોકે તો તેને તોડવાનો વિરોધ ન કરવો જોઈએ. 1995માં મહારાષ્ટ્રના ગઢચિરોલી અને મેલઘાટ વિસ્તારમાં કુપોષણના કારણે હજારો આદિવાસી બાળકોના મોત થયા હતા. તેનું કારણ કે, ગામડાંઓમાં રસ્તા નહોતા અને રસ્તા બનાવવા માટે વન કાયદો અડચણરૂપ બની રહ્યો હતો.' ગડકરીએ તે ઘટનાનો ઉલ્લેખ કરીને જનહિત તથા જનતાની ભલાઈ માટે કાયદાનો ભંગ કરવાની કે તેની ઉપેક્ષા કરવાની વાત કરી હતી. 

ગાડીમાં તમામ સીટ માટે એરબેગ ફરજિયાત

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ તાજેતરમાં જ લોકસભામાં એવી જાણકારી આપી હતી કે, ટૂંક સમયમાં જ એક વાહનની તમામ સીટ માટે એરબેગ ફરજિયાત કરવાનો નિયમ લાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ સરકારે કહ્યું એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા વસૂલે છે?