×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલન સમયે સરકારે ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી : જેક ડોર્સી

Image : Wikipedia

ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેને ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે એવા એકાઉન્ટને પણ બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેઓ ખેડૂત આંદોલન દરમિયાન સરકારનો વિરોધ કરી રહ્યા હતા.

ભારત સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું : જેક ડોર્સી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ મોટો આરોપ લગાવ્યો છે કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હતી. ડોર્સીએ દાવો કર્યો હતો કે ભારત સરકાર દ્વારા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેણે ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. જો કે સરકારે જેક ડોર્સીના આરોપોને ખોટા ગણાવ્યા છે. ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ યુટ્યુબ ચેનલ પર આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી.

જેક ડોર્સીએ લગાવ્યો મોટો આરોપ

એક યુટ્યુબ ચેનલએ ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આમાંનો એક સવાલ એ પણ હતો કે શું ક્યારેય કોઈ સરકાર દ્વારા તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ થયો હતો? તેના જવાબમાં ડોર્સીએ કહ્યું કે આવું ઘણી વખત થયું અને ડોર્સીએ ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની ધમકી આપાઈ હતી. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ચીમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.

ભારતની સરખામણી તુર્કી સાથે કરી

જેક ડોર્સીએ ભારતની તુલના તુર્કી સાથે કરી અને કહ્યું કે તુર્કીમાં પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે તુર્કીની સરકારે તુર્કીમાં ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપી હતી, ઘણી વખત સરકાર સાથે કોર્ટ કેસ થયા હતા અને તેમા જીતી પણ જતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ભારત સરકાર ત્રણ કૃષિ કાયદા લાવી હતી, જેને વિરોધ બાદ પરત ખેંચવા પડ્યા હતા. ભારતની રાજધાની દિલ્હીની સરહદ પર હજારો ખેડૂતોએ આ બિલનો વિરોધ કર્યો હતો. આ આંદોલન નવેમ્બર 2020ની આસપાસ શરૂ થયુ હતું. 

સરકારે આરોપોને નકાર્યા

જેક ડોર્સીના આરોપો પર કેન્દ્ર સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે. એક ટ્વિટમાં કેન્દ્રીય IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જેક ડોર્સીના આરોપોને જૂઠાણા ગણાવ્યા હતા. ચંદ્રશેખરે લખ્યું કે આ ટ્વિટરના ઈતિહાસના કાળા તબક્કાને સાફ કરવાનો પ્રયાસ છે, જ્યારે ટ્વિટર ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતીય કાયદાનું સતત ઉલ્લંઘન કરી રહ્યું હતું. વર્ષ 2020થી 2022 સુધી ટ્વિટરે ભારતીય કાયદાઓ અનુસાર કામ કર્યું ન હતું અને જૂન 2022થી ભારતીય કાયદાઓનું પાલન કરવાનું શરૂ કર્યું હતું. કોઈને જેલ થઈ ન હતી અને ટ્વિટર પણ બંધ થયું ન હતું. ટ્વિટરને ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતના સાર્વભૌમત્વ અને ભારતીય કાયદાઓને સ્વીકારવામાં સમસ્યા હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કરી હતી

ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ આપેલા ઈન્ટરવ્યુ પર કેન્દ્ર સરકાર પર ખેડૂત આદોલન પર જે આરોપ લગાવ્યા હતા તેના પર રાજ્યસભાના પૂર્વ મેમ્બર અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કરીને આનો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે મારી પત્ની અને મારી બે પુત્રીઓએ કટોકટી સામે સંઘર્ષ કર્યો નથી છતાં તે અમારા માટે આઘાતજનક અનુભવમાં સમાવેશ થાય છે. હાલ આ કટોકટીના પ્રારંભિક લક્ષણ જે ધીમે ધીમે કેન્સર માફક ફેલાઈ તે પહેલા તેને અટકાવવાની જરૂર છે. આ માટે 2024 નિર્ણાયક વર્ષ સાબિત થશે.