×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલન પર ISIની નજર, એલર્ટ બાદ આજે બંધ રહેશે 3 મેટ્રો સ્ટેશન


-  દેશભરના ખેડૂતો તરફથી રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ મોકલવામાં આવશે

નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર

કૃષિ કાયદાના વિરોધમાં આશરે સાતેક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન પર હવે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની નજર પડવા લાગી છે. આઈએસઆઈના એજન્ટ ખેડૂત આંદોલનની આડશમાં હિંસા ભડકાવી શકે છે તેવી આશંકા છે. ગુપ્તચર એજન્સીઓએ આ મુદ્દે દિલ્હી પોલીસ સહિત અન્ય સંસ્થાઓને એલર્ટ પાઠવ્યું છે. 

દિલ્હી પોલીસને લખ્યો પત્ર

જાણવા મળ્યા મુજબ ગુપ્તચર એજન્સીએ દિલ્હી પોલીસ અને સીઆઈએસએફને સતર્ક રહેવા માટે કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે, આજે (26 જૂન)ના રોજ ખેડૂતો પ્રદર્શન કરવાના છે અને આઈએસઆઈના એજન્ટ તેમાં તૈનાત જવાનો વિરૂદ્ધ હિંસા ભડકાવી શકે છે. દિલ્હી પોલીસને આ મામલે પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે. 

મેટ્રો સ્ટેશન બંધ રહેશે

જાણવા મળ્યા મુજબ સુરક્ષા માટેની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે અને શનિવારે અમુક કલાકો માટે કેટલાક મેટ્રો સ્ટેશન પણ બંધ રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે દિલ્હી મેટ્રો કોર્પોરેશને શનિવારે સવારે 10:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી 3 મેટ્રો સ્ટેશન વિશ્વવિદ્યાલય, સિવિલ લાઈન્સ અને વિધાનસભાને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસની સલાહ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. 

કેન્દ્રીય કૃષિ મંત્રીની વિનંતી

દિલ્હીના સરહદી વિસ્તારોમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે આજે અન્ય કેટલાય જૂથ પણ સામેલ થઈ શકે છે. જોકે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે ખેડૂત સંઘોને પોતાનું આંદોલન પૂરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે 11 તબક્કાની ચર્ચા કરી ચુકી છે અને કૃષિ કાયદા ખેડૂતોના જીવનને વધુ સારૂ બનાવવા લાવવામાં આવ્યા છે. 

ખેડૂતો રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ મોકલશે

ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનના 7 મહિના પૂરા થવા પર સંયુક્ત ખેડૂત મોરચાએ ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તક્ષેપની માગણી કરી હતી. તેમણે 26 જૂનના રોજ દેશભરના ખેડૂતો તરફથી રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ મોકલવામાં આવશે જેમાં 7 મહિનાના આંદોલન દરમિયાન ખેડૂતોની પીડા અને આક્રોશનો ઉલ્લેખ કરવામાં આવશે. તે સિવાય રાષ્ટ્રપતિને કૃષિ કાયદા રદ્દ કરવા અને ખેડૂતો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય માટે કાયદો બનાવવા સંબંધી વિનંતી કરવામાં આવશે.